વૈશ્વિક રાજકારણના મંચ પર અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે તેહરાન સાથે પ્રસ્તાવિત નવી વાટાઘાટો એ ઈરાન માટે અમેરિકી હુમલાઓથી બચવા અને કોઈપણ કરાર પર પહોંચવાની 'છેલ્લી તક' છે. ઓવલ ઓફિસમાં એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન ટ્રમ્પે આશા વ્યક્ત કરી હતી કે આગામી એક-બે દિવસમાં બંને દેશો વચ્ચે ચર્ચાઓ શરૂ થઈ જશે, જેનાથી મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખુલી શકશે અને ઈરાનના વિવાદાસ્પદ પરમાણુ કાર્યક્રમ પર અંકુશ મેળવી શકાશે.

ઇરાન વિરુદ્ધનો હુમલો હાલ પૂરતો મુલતવી

ટ્રમ્પે ખુલાસો કર્યો હતો કે આ રાજદ્વારી પ્રક્રિયાના બે મુખ્ય તબક્કા છે. પ્રથમ તબક્કામાં હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગને પુનઃ ખુલ્લો મૂકવાનો છે અને બીજા તબક્કામાં પરમાણુ નિઃશસ્ત્રીકરણનો સમાવેશ થાય છે, જેમાં સમય લાગી શકે છે. જો કે, તેમણે એવું પણ જણાવ્યું હતું કે કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત જેવા સહયોગી ખાડી દેશોના નેતાઓની ખાસ વિનંતીને માન આપીને તેમણે ઈરાન વિરુદ્ધ નવો અને અત્યંત વિનાશક સૈન્ય હુમલો કરવાનો આદેશ હાલ પૂરતો મુલતવી રાખ્યો છે.

ઇરાનને આપી કડક ચેતવણી

અમેરિકી રાષ્ટ્રપતિના જણાવ્યા અનુસાર, રવિવાર સુધીમાં જ યુએસ સેના દ્વારા બીજા વિશ્વયુદ્ધ પછીના સૌથી મોટા સૈન્ય હુમલાની વ્યાપક બ્લૂપ્રિન્ટ તૈયાર કરી દેવામાં આવી હતી. પરંતુ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સહિતના ગલ્ફ નેતાઓની અપીલ સાંભળ્યા બાદ તેમણે કડક પગલું ભરવાને બદલે રાજદ્વારી માર્ગને વધુ એક મોકો આપવાનું નક્કી કર્યું. ટ્રમ્પે ઈરાનની આ નીતિઓની ટીકા કરતા સ્પષ્ટ કર્યું કે તેમની ધીરજ હવે ખૂટી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે યુએસ સૈન્ય કાર્યવાહી દ્વારા ઈરાની નેતૃત્વ અને તેની સેનાને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, પરંતુ ઈરાની જનતાના જીવનને ધ્યાનમાં રાખીને તેઓ સંપૂર્ણ વિનાશ પહેલાં અંતિમ તક આપી રહ્યા છે.

આગામી સમયમાં આ વાટાઘાટો ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવતા રોકવામાં સફળ રહે છે કે કેમ, તેના પર સમગ્ર દુનિયાની નજર ટકેલી છે. ટ્રમ્પે કડક શબ્દોમાં કહ્યું છે કે ઈરાન આ તકનો લાભ ઉઠાવે અને સદબુદ્ધિ વાપરે તેવી આશા છે.

આ પણ વાંચોઃ Namo Bharat Train ના મુસાફરો માટે મહત્વના સમાચાર, આજથી 17 સ્ટેશનના ગેટ બંધ રહેશે, જાણો કેમ?