જો તમે દરરોજ નમો ભારત ટ્રેનમાં મુસાફરી કરો છો, તો તમારા માટે આ અત્યંત મહત્વના સમાચાર છે. પવિત્ર કાવડ યાત્રાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર પરિવહન નિગમ (NCRTC) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટી સૂચનાઓ અને સુરક્ષા વ્યવસ્થાને સરળ બનાવવાના હેતુથી, આજથી એટલે કે 4 ઓગસ્ટથી લઈને 12 ઓગસ્ટ સુધી નમો ભારત કોરિડોરના 17 સ્ટેશનો પર પ્રવેશ અને બહાર નીકળવાના કેટલાક દરવાજા (Gates) બંધ રાખવામાં આવશે. આ સાથે જ આ સ્ટેશનો પર વાહનો માટેની પાર્કિંગ સુવિધાઓ પણ કામચલાઉ ધોરણે મર્યાદિત કે બંધ રહેશે.

ટ્રાફિક નિયંત્રણને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય

કાવડ યાત્રા દરમિયાન ભક્તોની ભારે ભીડ અને ટ્રાફિક નિયંત્રણને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. એનસીઆરટીસી (NCRTC) દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, આ નિયંત્રણો હેઠળ મોદીપુરમ, મેરઠ ઉત્તર, એમઇએસ કોલોની, બેગમપુલ, ભૈંસલી, મેરઠ સેન્ટ્રલ, બ્રહ્મપુરી, શતાબ્દી નગર, રિઠાની, પરતાપુર, મેરઠ દક્ષિણ, મોદીનગર ઉત્તર, મોદીનગર દક્ષિણ, મુરાદનગર, દુહાઈ, ગુલધર અને ગાઝિયાબાદ જેવા પ્રમુખ સ્ટેશનોનો સમાવેશ થાય છે. મોટાભાગના સ્ટેશનો પર ગેટ નંબર બે બંધ રાખવામાં આવશે. ખાસ કરીને, બેગમપુલ સ્ટેશન પર ગેટ નંબર બે અને ત્રણ, દુહાઈ પર ગેટ ત્રણ અને ચાર, જ્યારે ગાઝિયાબાદ સ્ટેશન પર ગેટ નંબર ત્રણ અને પાંચ બંધ રહેશે.

વૈકલ્પિક ગેટનો ઉપયોગ કરવાની સલાહ

મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે NCRTC એ અપીલ કરી છે કે તેઓ સંબંધિત સ્ટેશનો પર ઉપલબ્ધ વૈકલ્પિક (Alternative) ગેટનો ઉપયોગ કરે. કોર્પોરેશને મુસાફરોને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે. રાહતની વાત એ છે કે આ નિયંત્રણો વચ્ચે પણ નમો ભારત ટ્રેન સેવાઓ સરાઈ કાલે ખાનથી મોદીપુરમ કોરિડોર પર સંપૂર્ણપણે સામાન્ય રીતે કાર્યરત રહેશે. મુસાફરોની સુવિધા માટે તા. 14 ઓગસ્ટ સુધી દરરોજ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દર આઠ મિનિટે નિયમિત અંતરે ટ્રેનો દોડતી રહેશે.

મુસાફરીમાં થયો વધારો

બીજી તરફ, દિલ્હી-મેરઠ નમો ભારત કોરિડોર પર મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને તે નવા રેકોર્ડ બનાવી રહી છે. અગાઉ ગત 8 જૂન, 2026 ના રોજ આ કોરિડોર પર આશરે 1,25,500 મુસાફરોએ એક જ દિવસમાં મુસાફરી કરીને સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો હતો. વહીવટી તંત્ર અને મુસાફરોની વધતી અવરજવર વચ્ચે યાત્રા સુરક્ષિત અને સુચારૂ રહે તે માટે તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ Ukraine નો વધુ એક દુશ્મન હુમલો કરવાની તૈયારીમાં, પરંતુ એક માફીએ રોકાવ્યું યુદ્ધ!