વૈશ્વિક રાજકારણમાં હાલમાં એક મોટા સંઘર્ષના વાદળો માંડ માંડ ટળ્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, ઈરાને યુક્રેન પર ત્રણ અલગ-અલગ સ્થળોએ ભીષણ બદલાની કાર્યવાહી કરવાનો ખૂની પ્લાન બનાવી લીધો હતો. પરંતુ, યુક્રેન તરફથી કથિત રીતે 'માફી' અને સ્પષ્ટતા માંગ્યા બાદ તેહરાને આ આક્રમક યોજનાને છેલ્લી ઘડીએ રદ કરી દીધી છે. જો આ હુમલો થયો હોત તો મધ્ય પૂર્વ અને પૂર્વ યુરોપ વચ્ચે વધુ એક મોટું યુદ્ધ ફાટી નીકળવાની પૂરી સંભાવના હતી, જેનાથી અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને વૈશ્વિક અર્થતંત્ર પર ભારે તણાવ વધી ગયો હોત.

રશિયા અને યુક્રેનના હુમલામાં ઇરાનને નુકસાન

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાનના વરિષ્ઠ લશ્કરી સલાહકાર અને ભૂતપૂર્વ IRGC કમાન્ડર મેજર જનરલ મોહસેન રેઝાઈએ દાવો કર્યો છે કે કેસ્પિયન સમુદ્રમાં બનેલી એક ગંભીર ઘટના બાદ આ વળતા પ્રહારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત 25 જુલાઈના રોજ કેસ્પિયન સમુદ્રમાં ઈરાન અને રશિયા વચ્ચે લશ્કરી સાધનો અને પુરવઠો વહન કરી રહેલા એક જહાજ પર રહસ્યમય હુમલો થયો હતો. આ હુમલામાં ઈરાની જહાજને નુકસાન પહોંચ્યું હતું અને એક ક્રૂ મેમ્બરનું પણ મોત નીપજ્યું હતું.

યુક્રેને ઇરાની જહાજને બનાવ્યું હતું નિશાન

આ ઘટનાથી ભડકેલા ઈરાને આક્રમક વલણ અપનાવ્યું હતું અને યુક્રેનને જવાબ આપવાની તૈયારી શરૂ કરી દીધી હતી. બીજી બાજુ, યુક્રેનની સુરક્ષા સેવા (SBU) નો દાવો હતો કે નિશાન બનેલું આ જહાજ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોની અવગણના કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હતું. આ ગતિરોધ વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. જો કે, ઈરાને કયા ત્રણ યુક્રેનિયન લક્ષ્યોને નષ્ટ કરવાનું નક્કી કર્યું હતું તેનો ખુલાસો રેઝાઈએ કર્યો નથી, તેમજ યુક્રેન દ્વારા સત્તાવાર રીતે કોઈ માફી માંગવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી નથી.

યુક્રેનનો વધુ એક દુશ્મન 

પરિસ્થિતિને વધુ વણસતી અટકાવવા માટે રાજદ્વારી સ્તરે પ્રયાસો શરૂ થયા હતા. ગત 28 જુલાઈના રોજ યુક્રેનના કાર્યકારી વિદેશ પ્રધાન એન્ડ્રી ત્સિબિહા અને ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ વાતચીતમાં યુક્રેન દ્વારા આ હુમલાને અજાણતા થયેલી ઘટના ગણાવવામાં આવી હતી. ઈરાની વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે તેહરાન આ મામલે તણાવ વધારવા માંગતું નથી, જેના કારણે બદલાની કાર્યવાહીનો નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો. હાલ આ મામલે કટોકટી ટળી ગઈ છે, પરંતુ આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી હલચલ મચાવી દીધી છે.

આ પણ વાંચોઃ Petrol Diesel Price Today: પેટ્રોલ ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સમાં વધારો, શું પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા?