બિલકિસ બાનો ગેંગરેપ અને હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 2 દોષિતોને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. બંને દોષિત 17 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવી ચૂક્યા હોવાની હકીકતને ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ અદાલતે તેમની સજા સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. આ પૈકી એક દોષિત ગંભીર રીતે દિવ્યાંગ હોવાનું પણ અદાલતે નોંધ્યું હતું.
દોષિતોએ બોમ્બે હાઈકોર્ટના વર્ષ 2017ના તે નિર્ણયને પડકાર્યો
સર્વોચ્ચ અદાલતમાં 28 ઓક્ટોબરે થયેલી સુનાવણી દરમિયાન બંને દોષિતો તરફથી દાખલ અપીલ પર વિચાર કરવામાં આવ્યો હતો. આ દોષિતોએ બોમ્બે હાઈકોર્ટના વર્ષ 2017ના તે નિર્ણયને પડકાર્યો છે, જેમાં તેમની દોષસિદ્ધિ અને આજીવન કેદની સજા યથાવત્ રખાઈ હતી.
ટ્રાયલ કોર્ટની શરતો મુજબ જામીન મંજૂર કરાયા
સુનાવણીમાં એડિશનલ સોલિસિટર જનરલ રાજા ઠાકરેએ જામીન અરજીનો આકરો વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે નીચલી અદાલતોએ તમામ પુરાવા અને તથ્યો ચકાસીને ચુકાદો આપ્યો હોવાથી ગુનાની ગંભીરતા જોતાં રાહત ન આપવી જોઈએ. જોકે પીઠે સ્પષ્ટ કર્યું કે લાંબી અટકાયત, ગંભીર દિવ્યાંગતા અને અપીલમાં કાનૂની પ્રશ્નો હોવાથી ટ્રાયલ કોર્ટની શરતો મુજબ જામીન મંજૂર કરાયા છે.
5 ઓગસ્ટ 2022ના રોજ સમય પહેલાં જેલમુક્ત કર્યા હતા
આ બંને દોષિતો એ 11 દોષિતોમાં સામેલ છે જેમને ગુજરાત સરકારે 15 ઓગસ્ટ 2022ના રોજ સમય પહેલાં જેલમુક્ત કર્યા હતા. આ મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવતાં 8 જાન્યુઆરી 2024ના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના સમયપૂર્વ મુક્તિના આદેશો રદ કર્યા હતા. સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું હતું કે આ કેસમાં ટ્રાયલ ગુજરાતથી મહારાષ્ટ્ર ટ્રાન્સફર થઈ હતી અને સજા મહારાષ્ટ્રમાં સંભળાવાઈ હોવાથી ગુજરાત સરકારને માફી આપવાનો અધિકાર નહોતો. ત્યારબાદ તમામ દોષિતોને જેલમાં પરત જવું પડ્યું હતું.
ટ્રાયલ કોર્ટે આજીવન કેદ ફટકારી હતી
ઉલ્લેખનીય છે કે ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર આધારિત આ કેસમાં ટ્રાયલ કોર્ટે દોષિતોને આઈપીસીની કલમ 143, 147, 302 અને 376 હેઠળ દોષિત ઠેરવી દંડ સાથે આજીવન કેદ ફટકારી હતી. ત્યારબાદ બોમ્બે હાઈકોર્ટે 4 મે 2017ના રોજ 11 દોષિતોની સજા યથાવત્ રાખી હતી.
આ પણ વાંચો : Explainer : ડાકોર મંદિરમાં VIP કલ્ચર સામે વિરોધ, ટ્રસ્ટી ગિરીશ દાણીનો ઘેરાવ, જાણો, મંદિરોમાં VIP દર્શનનું અલગ જ ગણિત
