મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં ગણેશોત્સવના પાવન પર્વ પૂર્વે એક ગંભીર અને હૃદયદ્રાવક દુર્ઘટના ઘટી છે. મુંબઈના દક્ષિણ વિસ્તારમાં આવેલ ભૂલેશ્વર ખાતે 'ભૂલેશ્વરચા રાજા'ના આગમન સમારોહ અને ભવ્ય શોભાયાત્રા દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. આગમન યાત્રામાં હજારો ભક્તો હતા તે સમયે 22 ફૂટ ઉંચી પ્રતિમા પડતા 2 લોકોના મોત નીપજ્યા છે અને 5 લોકો ઘાયલ થયા છે.
22 ફૂટ ઉંચી ગણેશ પ્રતિમા પડી
પ્રાપ્ત માહિતી અનુસાર, શોભાયાત્રામાં લાવવામાં આવી રહેલી આશરે ૨૨ ફૂટ ઊંચી ભવ્ય ગણેશ પ્રતિમા અચાનક અસંતુલિત થઈને નીચે પડી ગઈ હતી. આ અકસ્માતનું મુખ્ય કારણ પ્રતિમાને ટેકો આપતા સ્ટ્રક્ચરનો બોલ્ટ ફેલ થવાનું (ખામીયુક્ત કે તૂટી જવાનું) હોવાનું સામે આવ્યું છે. મૂર્તિ અચાનક તૂટીને નીચે પટકાતા નાસભાગ મચી ગઈ હતી અને શોભાયાત્રામાં જોડાયેલા કેટલાક લોકો તેની નીચે દબાઈ ગયા હતા. આ અણધારી આફતથી થોડીવાર માટે હડકંપ મચી ગયો હતો.
દુર્ઘટના થતા અફરા તફરી મચી
ઘટનાની જાણ થતાં જ મુંબઈ પોલીસ, ટ્રાફિક પોલીસ, મુંબઈ ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ સેવા અને મહાનગરપાલિકા (BMC) નો વોર્ડ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રાહત અને બચાવ કામગીરી હાથ ધરીને તાત્કાલિક તમામ ઘાયલોને નજીકની સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ગંભીર ઇજાઓને કારણે બે વ્યક્તિઓને બચાવી શકાઈ ન હતી અને હોસ્પિટલ પહોંચાડતા જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
https://twitter.com/AHindinews/status/2091268900872958082
https://twitter.com/AHindinews/status/2091268900872958082
દુર્ઘટનામાં 2 લોકોના મોત
આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર બંને વ્યક્તિઓની ઓળખ સંકેત નેવશે (ઉં.વ. ૩૩) અને બ્રિજેશ હેમંત જોશી (ઉં.વ. ૩૦) તરીકે થઈ છે. આ ઉપરાંત, આ અકસ્માતમાં પાંચ અન્ય લોકો ઘાયલ થયા છે, જેમાં બે માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘાયલોમાં વૈભવ ઘેનંદ (૩૮), પવન ચૌરસિયા (૨૫), લાવણ્ય ગણેર (૫), દિવ્યા ગણેર (૭) અને કુણાલ કાશીદ (૨૬) સામેલ છે. હાલ તમામ ઘાયલોની તબિયત સ્થિર હોવાનું નાગરિક અધિકારીઓએ જણાવ્યું છે.
