મુંબઈમાં ફરી એકવાર બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી મળતાં હડકંપ મચી ગયો છે. ધમકીભર્યા ઈમેઇલમાં બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનના બંગલા, મુંબઈના મેયર કાર્યાલય, શહેરની અનેક બેંકો અને અદાલતોને નિશાન બનાવવાની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને મહાલક્ષ્મી રેસકોર્સનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધમકી બાદ બીએમસી મુખ્યાલયમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.


મેયર કાર્યાલય અને બીએમસી મુખ્યાલયમાં તપાસ


ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, બોમ્બ નિરોધક દળ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક પહોંચી હતી. સુરક્ષાકર્મીઓએ મેયર કાર્યાલય અને બીએમસી મુખ્યાલયના ખૂણેખૂણાની તપાસ કરી હતી. ઈમેઇલમાં ઉલ્લેખ કરાયેલા અન્ય સ્થળોએ પણ સુરક્ષા વધારીને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળ્યું નહીં


કલાકો સુધી ચાલેલી તપાસ બાદ સુરક્ષા એજન્સીઓને રાહત મળી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, તમામ નિશાન બનાવાયેલા સ્થળોની તપાસ પૂર્ણ કરવામાં આવી છે, પરંતુ ક્યાંયથી પણ કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નથી.

ખાલિસ્તાન સમર્થક સંદર્ભોનો પણ ઉલ્લેખ


ધમકીભર્યા ઈમેઇલમાં ખાલિસ્તાન સમર્થક સંદર્ભો અને ઉશ્કેરણીજનક સંદેશાઓ પણ લખવામાં આવ્યા હતા. આ બાબતને ગંભીરતાથી લઈને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ઈમેઇલ ક્યાંથી મોકલવામાં આવ્યો અને તેની પાછળ કોણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. 

કયા સ્થળોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે?


આ ધમકીભર્યા ઈમેલમાં મેયર ઓફિસ, મુંબઈની એક બેંક, કોર્ટ, અમિતાભ બચ્ચનનો બંગલા, મહાલક્ષ્મી રેસકોર્સ અને છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક સહિત અનેક મુખ્ય સ્થળોના નામ આપવામાં આવ્યા છે.

મુંબઈ પોલીસ અને સાયબર સેલે તપાસ શરૂ કરી


પ્રાથમિક દૃષ્ટિએ દહેશત ફેલાવવાના ઇરાદે કોઈ તોફાની તત્વે ઈમેઇલ મોકલ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મુંબઈ પોલીસ અને સાયબર સેલની ટીમોએ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.