મૈસુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સ્વામી વિવેકાનંદ કલ્ચરલ યુથ સેન્ટર – ‘વિવેક સ્મારક’નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ ભારતના યુવાનોની ક્ષમતા અને દેશની પ્રગતિમાં તેમના યોગદાનની પ્રશંસા કરી.
આ પ્રગતિ પાછળ દેશના યુવાનોની શક્તિ
PM મોદીએ કહ્યું કે ભારત આજે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં નવી યાત્રા શરૂ કરી રહ્યું છે અને આ પ્રગતિ પાછળ દેશના યુવાનોની શક્તિ છે. તેમણે જણાવ્યું કે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે અને દેશ દુનિયાનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ચૂક્યું છે. વડાપ્રધાને કહ્યું કે ભારત હવે દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઇલ ફોન ઉત્પાદક દેશ બની ગયો છે. આ ઉપરાંત ભારતના ડિજિટલ સોલ્યુશન્સ વિશ્વના અનેક દેશો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. તેમણે કહ્યું કે ભારતનો યુવા વર્ગ હવે માત્ર પોતાના વિકાસ માટે નહીં, પરંતુ સમગ્ર વિશ્વના વિકાસને ગતિ આપી રહ્યો છે.
PMએ સ્વામી વિવેકાનંદના વિચારોને કર્યા યાદ
સ્વામી વિવેકાનંદના વિચારોને યાદ કરતા PM મોદીએ કહ્યું કે તેઓ યુવાનોના શિક્ષણને રાષ્ટ્ર નિર્માણનો મજબૂત આધાર માનતા હતા. વિવેકાનંદજીનું માનવું હતું કે સાચો જીવન અર્થ એ છે કે વ્યક્તિ અન્ય લોકોની સેવા માટે જીવે. વડાપ્રધાને જણાવ્યું કે લગભગ 130 વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદ યુવા સંન્યાસી તરીકે મૈસુર આવ્યા હતા. તે સમયે તેમની પ્રસિદ્ધિ ઓછી હતી, પરંતુ તેમના વિચારો ખૂબ ઊંચા હતા. મૈસુરના તત્કાલીન મહારાજાએ તેમના વિચારોને ઓળખ્યા અને તેમનું સમર્થન કર્યું હતું.
PM મોદીએ કહ્યું કે 'વિવેક સ્મારક' એવા યુવાનો તૈયાર કરશે, જેમના માટે સમાજ સેવા, રાષ્ટ્ર હિત અને વંચિત લોકોની મદદ સર્વોચ્ચ પ્રાથમિકતા હશે. તેમણે શ્રી રામકૃષ્ણ આશ્રમના સેવાકાર્યોની પ્રશંસા કરતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સ્મારક યુવાનો અને શ્રદ્ધાળુઓ માટે પ્રેરણાનું કેન્દ્ર બનશે.
