દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (IGI) એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સ સ્મગલિંગ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. બેંગકોકથી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-2333 મારફતે દિલ્હી આવેલા બે મુસાફરો પાસેથી કુલ 18.15 કિલોગ્રામ હાઇડ્રોપોનિક વીડ (ગાંજો) જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલો નશીલો પદાર્થ 17 વેક્યૂમ-સીલ પેકેટમાં અત્યંત ચાતુરાઈથી છુપાવવામાં આવ્યો હતો.

બેગેજ ચેક કરતા શંકાસ્પદ પેકેટ મળી આવ્યા 

કસ્ટમ્સ અધિકારીઓએ જણાવ્યું કે બંને મુસાફરો પર અગાઉથી જ નજર રાખવામાં આવી રહી હતી. એડવાન્સ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ (APIS)ના આધારે તેમની પ્રોફાઈલિંગ કરવામાં આવી હતી. બંને મુસાફરો ગ્રીન ચેનલ પાર કર્યા બાદ તેમની બેગેજની વિગતવાર તપાસ કરવામાં આવી હતી, જેમાં શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન તમામ પેકેટોમાં હાઈડ્રોપોનિક ગાંજો હોવાનું સામે આવ્યું હતું.

વેક્યૂમ-સીલ પેકેટમાં છુપાવેલો કરોડોનો નશીલો પદાર્થ જપ્ત

કસ્ટમ્સ વિભાગે જપ્ત કરાયેલા ગાંજા ઉપરાંત તેની પેકેજિંગ સામગ્રી પણ કબજે કરી છે. સમગ્ર કાર્યવાહી બાદ બંને આરોપીઓ સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સિસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ કેસ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્ક સાથે સંકળાયેલો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કસ્ટમ્સ વિભાગ હવે બંને આરોપીઓની પૂછપરછ કરીને ડ્રગ્સનો સ્ત્રોત, તેને ભારતમાં પહોંચાડવાનું નેટવર્ક અને આ કાવતરામાં સામેલ અન્ય લોકોની ઓળખ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

કસ્ટમ્સ વિભાગે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો

અધિકારીઓના જણાવ્યા મુજબ, એરપોર્ટ પર આધુનિક પ્રોફાઈલિંગ સિસ્ટમ અને સતત દેખરેખના કારણે આ સ્મગલિંગનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં સફળતા મળી છે. તપાસ એજન્સીઓ હવે સમગ્ર રેકેટના તાર જોડીને વધુ સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવાની દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.

આ પણ વાંચો : Delhi: CM રેખા ગુપ્તાએ લક્ષ્મી યોજના પોર્ટલ લોન્ચ, આ મહિલાઓને મળશે 2500 રૂપિયા