પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભારતીય રેલવેના 7 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. 

નવો રેલવે ટ્રેક ઉમેરાશે

કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલા આ 7 પ્રોજેક્ટ્સ પાછળ અંદાજે ₹32,500 કરોડથી વધુનો ભંગીરથ ખર્ચ કરવામાં આવશે. આ તમામ પ્રોજેક્ટ્સ સંપૂર્ણપણે કેન્દ્ર સરકારના ફંડિંગથી તૈયાર થશે. આ નિર્ણયથી ભારતીય રેલવેના વર્તમાન નેટવર્કમાં આશરે 2,339 કિલોમીટર જેટલો નવો રેલવે ટ્રેક ઉમેરાશે. આ પ્રોજેક્ટ્સ આગામી કેટલાક વર્ષોમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

દેશના 9 રાજ્યો અને 35 જિલ્લાઓને સીધો ફાયદો

સરકારના આ માસ્ટરસ્ટ્રોકથી દેશના 9 મુખ્ય રાજ્યોના 35 જિલ્લાઓને સીધો લાભ મળશે. જેમાં આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં રેલવે કનેક્ટિવિટી વધવાથી સ્થાનિક વેપાર અને પ્રવાસનને મોટો વેગ મળશે. આ પ્રોજેક્ટ્સનો મુખ્ય હેતુ દેશના સૌથી વ્યસ્ત રેલવે રૂટ પરથી ટ્રાફિકનું ભારણ ઓછું કરવાનો છે.

પર્યાવરણની દ્રષ્ટિએ ફાયદાકારક નિર્ણય 

મલ્ટી-ટ્રેકિંગના કારણે પેસેન્જર ટ્રેનો હવે પોતાના નિર્ધારિત સમયે દોડી શકશે અને મુસાફરોનો સમય બચશે. કોલસો, સિમેન્ટ, ખાતર, અનાજ અને પેટ્રોલિયમ પેદાશોની હેરફેર ખૂબ જ ઝડપી બનશે. આનાથી દેશના સપ્લાય ચેઈન નેટવર્કને ભારે મજબૂતી મળશે. આ પ્રોજેક્ટ્સના નિર્માણ દરમિયાન લાખો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી મળશે. આશરે 7.10 કરોડ માનવ-દિવસ જેટલી રોજગારીનું સર્જન થવાનો અંદાજ છે. આ ઉપરાંત, રેલવે ટ્રાન્સપોર્ટ વધુ કાર્યક્ષમ થવાથી દેશમાં કાર્બન ઉત્સર્જનમાં પણ મોટો ઘટાડો થશે, જે પર્યાવરણની દ્રષ્ટિએ અત્યંત ફાયદાકારક સાબિત થશે.

આ પણ વાંચોઃ સાઉદી અરબ પર હૂથી હુમલા વચ્ચે પાકિસ્તાન અને તુર્કી કેમ મૌન, જાણો શુ છે કારણ?