પશ્ચિમ બંગાળના ચકચારી આરજી કર હોસ્પિટલ કેસમાં એક મોટો અને મહત્વપૂર્ણ ઘટસ્ફોટ સામે આવ્યો છે. ઓડિશાના સંબલપુરમાંથી તૃણમૂલ કોંગ્રેસ ( TMC) ના પૂર્વ ધારાસભ્ય નિર્મલ ઘોષની પોલીસે ધરપકડ કરી લીધી છે. નોંધનીય છે કે આ ઘટનાના બે દિવસ પહેલા જ પીડિતાના મૃત્યુ બાદ થયેલી ગેરરીતિઓ અને ઉતાવળે અંતિમ સંસ્કાર કરવાના મામલામાં તેમની સામે સત્તાવાર FIR દાખલ કરવામાં આવી હતી.

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, પીડિતાના માતા-પિતાએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે તેમની સંમતિ કે મંજૂરી વગર જ પુત્રીના અંતિમ સંસ્કાર ખૂબ જ ઉતાવળમાં કરી દેવામાં આવ્યા હતા. આ મામલાની ગંભીરતાને જોઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે અંતિમ સંસ્કાર માટેના જરૂરી સંમતિ દસ્તાવેજો પર પીડિતાના માતા-પિતા કે પરિવારના સભ્યોને બદલે પડોશીઓએ સહીઓ કરી હતી. એટલું જ નહીં, સ્મશાનગૃહમાં કતારમાં રહેલા અન્ય બે મૃતદેહોને બાજુ પર રાખીને આ મૃતદેહના અંતિમ સંસ્કાર ખૂબ જ રહસ્યમય અને ઝડપી પદ્ધતિથી કરવામાં આવ્યા હતા, તેમજ અંતિમ સંસ્કારની ફી પણ માફ કરવામાં આવી હતી.

રહસ્યમયી અંતિમ સંસ્કાર કર્યા હતા

આ કેસમાં નિર્મલ ઘોષ ઉપરાંત પાનિહાટી મ્યુનિસિપલ કાઉન્સિલર સોમનાથ ડે અને પીડિતાના પરિવારના પાડોશી સંજીબ મુખર્જીનું નામ પણ સામેલ છે. પોલીસ VE જણાવ્યા મુજબ, આ નવો કેસ અગાઉના મૂળ બળાત્કાર અને હત્યા કેસની ચાલી રહેલી સીબીઆઈ તપાસથી બિલકુલ અલગ છે.

નવા ખુલાસાની સંભાવના

ઉલ્લેખનીય છે કે 9 ઓગસ્ટ, 2024ના રોજ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર રૂમમાંથી ૩૧ વર્ષીય પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની ડૉક્ટરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જેની સાથે ઘૃણાસ્પદ બળાત્કાર અને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. આ કેસમાં અગાઉ એક વ્યક્તિને દોષિત ઠેરવવામાં આવ્યો છે અને હાલ આખો મામલો કોલકાતા હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. પૂર્વ ધારાસભ્યની આ ધરપકડથી સમગ્ર રાજકારણમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં આ કેસમાં નવા ખુલાસા થવાની પૂરી સંભાવના છે.