દેશના ચર્ચાસ્પદ અને મહત્વપૂર્ણ એવા NEET-UG 2026 પેપર લીક કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સીબીઆઈ (CBI) ની અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવા માટે પરવાનગી માંગવામાં આવી હતી, જેના સંદર્ભમાં કોર્ટ શુક્રવારે એટલે કે આવતીકાલે પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરશે. આ કેસમાં કાનૂની પ્રક્રિયા હાલ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે અને સમગ્ર દેશના વિદ્યાર્થીઓ તથા વાલીઓની નજર આ નિર્ણય પર ટકેલી છે.
આરોપીઓના વકીલો દ્વારા ઉઠાવવામાં આવ્યા મુદ્દા
સુનાવણી દરમિયાન આરોપીઓના બચાવ પક્ષના વકીલોએ ચાર્જશીટ સાથે સીબીઆઈ દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો અને તેના પુરવઠા અંગે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ અને વાંધાઓ રજૂ કર્યા હતા. વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આ મામલે ચુકાદો અનામત રાખવાનો નિર્ણય કર્યો. અગાઉ, સીબીઆઈએ આ હાઈ-પ્રોફાઇલ કેસમાં કુલ 13 આરોપીઓ વિરુદ્ધ સત્તાવાર રીતે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. હાલમાં કોર્ટ આ કેસમાં આરોપીઓ સામે આરોપો ઘડવાની (ચાર્જ ફ્રેમિંગ) પ્રક્રિયાની સુનાવણી કરી રહી છે.
