• કેનેડા સાથે ભારતના સંબંધોમાં તણાવ
  • પીએમ ટ્રુડોએ ભારત પર લગાવ્યા હતા આરોપો
  • ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાના લગાવ્યા હતા આરોપ

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ગયા મહિને જાહેરમાં એવી આશંકા વ્યક્ત કરી હતી કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા, ત્યાર બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. જો કે હવે લાગે છે કે તેમની સાન ઠેકાણે આવી છે.

હકીકતે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હિન્દુ સમુદાયને નવરાત્રીની શુભેચ્છા પાઠવી છે. જસ્ટિન ટ્રુડોએ ભારત સાથેના રાજદ્વારી વિવાદ વચ્ચે પોતાના દેશના હિન્દુ સમુદાયને નવરાત્રીની શુભેચ્છા પાઠવવા માટે X પર એક પોસ્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે કેનેડાના વડાપ્રધાને ભારત પર ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાને લઈને લગાવેલા આરોપો બાદથી બંને દેશો વચ્ચે તણાવ છે.


જસ્ટિન ટ્રુડોએ X પર પોસ્ટ કર્યું, "નવરાત્રિની શુભકામનાઓ! હું હિન્દુ સમુદાયના સભ્યો અને આ તહેવારની ઉજવણી કરનારા તમામને મારી હાર્દિક શુભેચ્છા પાઠવું છું." ઉલ્લેખનીય છે કે નવરાત્રી એ દેવી દુર્ગાની પૂજા કરવા માટે ઉજવવામાં આવતો તહેવાર છે, જે વર્ષમાં બે વાર આવે છે. તે નવ રાત સુધી ચાલે છે, પ્રથમ ચૈત્ર મહિનામાં અને પછી અશ્વિન મહિનામાં આવે છે.

ટ્રુડોએ ગયા મહિને જાહેરમાં આશંકા વ્યક્ત કરી હતી કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા, જેમને 18 જૂને વાનકુવર ઉપનગરમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ટ્રુડોના નિવેદન બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. ભારતે આ આરોપને વાહિયાત ગણાવીને નકારી કાઢ્યો હતો અને બંને દેશોએ એક-એક રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા. આ ઉપરાંત ભારતે કેનેડિયનો માટે નવા વિઝા સ્થગિત કર્યા અને કેનેડાને ભારતમાં તેની રાજદ્વારી હાજરી ઘટાડવા કહ્યું.

જોકે, ટ્રુડોએ પાછળથી કહ્યું હતું કે કેનેડા આ વિવાદને વધારવા માંગતું નથી. તેમણે એમ પણ કહ્યું, "અમે આને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ, પરંતુ અમે ભારત સરકાર સાથે જવાબદારીપૂર્વક અને રચનાત્મક રીતે જોડાયેલા રહીશું."

તાજેતરમાં, જોર્ડનના રાજા અને યુએઈના રાષ્ટ્રપતિ સાથે ભારતના સંબંધોની ચર્ચા કર્યા પછી વિવિધ વૈશ્વિક નેતાઓ સાથે ભારતનો મુદ્દો ઉઠાવવા બદલ કેનેડિયન વડા પ્રધાનને ઑનલાઇન વ્યાપક રીતે ટ્રોલ કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે હાલના ઘણાં સર્વે જણાવી રહ્યા છે કે કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ નિજ્જરના મૃત્યુમાં ભારતની સંડોવણીનો આક્ષેપ કર્યા પછી તેમની લોકપ્રિયતાનું રેટિંગ અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે. જે તેમને આગામી ચૂંટણીમાં પરેશાન કરી શકે છે.

  • Follow us on: