કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે મહત્વનો નિર્ણય લીધો છે. હવે 'નો ડિટેન્શન પોલિસી'ને ખત્મ કરી દેવામાં આવી છે. હવે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને નાપાસ જ જાહેર કરવામાં આવશે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનામાં ફરી પરીક્ષા આપવાની તક મળશે, પરંતુ જો તેઓ ફરી નિષ્ફળ જશે તો તેમને પ્રમોશન આપવામાં આવશે નહીં. શાળા ધોરણ 8 સુધી કોઈપણ વિદ્યાર્થીને બહાર કાઢશે નહીં.
વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં સુધારો થશે
સોમવારે, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે 'નો ડિટેન્શન પોલિસી' ખતમ કરીને લાંબા સમયથી ચાલતી સિસ્ટમમાં ફેરફાર કર્યો છે. આ નિર્ણય બાદ હવે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ નાપાસ જ ગણવામાં આવશે. સરકારનું માનવું છે કે આ નવી નીતિનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં સુધારો કરવાનો અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો લાવવાના હેતુથી મંત્રાલયે 'નો ડિટેન્શન પોલિસી' ખત્મ કરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે આ નીતિની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી, પરંતુ હવે નવી સિસ્ટમ હેઠળ ધોરણ 5 અને 8માં વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે.
2 મહિનામાં ફરી પરીક્ષા આપી શકશે વિદ્યાર્થીઓ
આ નવી સિસ્ટમ મુજબ નાપાસ થયેલા વિદ્યાર્થીઓને 2 મહિનામાં ફરીથી પરીક્ષા આપવાની તક મળશે, પરંતુ જો વિદ્યાર્થીઓ ફરીથી નાપાસ થશે તો તેમને આગળના વર્ગમાં પ્રમોશન આપવામાં આવશે નહીં. જો કે, સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે ધોરણ 8 સુધી કોઈપણ વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે નહીં.
આ કારણે નિર્ણય લેવામાં આવ્યો
શિક્ષણ મંત્રાલયના સચિવ સંજય કુમારે જણાવ્યું હતું કે બાળકોના શિક્ષણ પરિણામોમાં સુધારો કરવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે બાળકોની શીખવાની ક્ષમતામાં ઘટાડો રોકવા માટે આ પગલું જરૂરી માનવામાં આવે છે, કારણ કે આ વર્ગો મૂળભૂત શિક્ષણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ નવી નીતિ સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને અભ્યાસ પ્રત્યે વધુ જવાબદાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.