હિમાચલ પ્રદેશમાં ચાઈનીઝ ડ્રોન જોવા મળ્યા છે. આ ડ્રોનનો ઉપયોગ ભારત પર દેખરેખ અને જાસૂસી માટે કરવામાં આવી રહ્યો છે. રાજ્ય મંત્રી જગત સિંહ નેગીએ સોમવારે આ દાવો કર્યો હતો. માહિતી આપતા મંત્રીએ કહ્યું કે, રાજ્યના કિન્નૌર જિલ્લામાં ભારત-ચીન બોર્ડર પર ડ્રોન જોવા મળ્યા છે. જિલ્લાના પૂ બ્લોકના શિપકી લા અને ઋષિ ડોગરી ગામમાં ડ્રોનની ગતિવિધિ જોવા મળી છે.
સરહદી વિસ્તારની નજીક અનેક ડ્રોન વારંવાર ઉડતા જોવા મળ્યા
મહેસૂલ અને બાગાયત મંત્રી નેગીએ કહ્યું કે, છેલ્લા એક સપ્તાહમાં સરહદી વિસ્તારની નજીક અનેક ડ્રોન વારંવાર ઉડતા જોવા મળ્યા છે. ઘણા લોકોએ તેમને આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, આ દિવસોમાં શિપકી લા અને ઋષિ ડોગરી બન્ને જગ્યાએ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) સુધી રસ્તાઓ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, તેથી આ ડ્રોન દ્વારા દેખરેખ અને જાસૂસીની શક્યતાને નકારી શકાય નહીં.
'પોલીસ અને સેનાના જવાનોએ પણ ડ્રોન જોયા'
મંત્રીએ એમ પણ કહ્યું કે, પોલીસ અને સેનાના જવાનોએ પણ ડ્રોન જોયા છે. તેમણે આ મામલે કેન્દ્ર સરકારને તાત્કાલિક નોંધ લઈ જરૂરી સૂચનાઓ આપી હતી અને ફરી એકવાર સરહદી વિસ્તારના નિયમોનો ભંગ થયો છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે આ ચીનનું નવું ષડયંત્ર હોઈ શકે છે. બીજી તરફ ડ્રોનના સમાચાર સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે.
ડ્રોન દ્વારા ચીન કરી રહ્યું છે જાસૂસી
એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ચીન ભારતીય સરહદ પર થઈ રહેલા રોડ નિર્માણ અને અન્ય ગતિવિધિઓની માહિતી એકત્ર કરવા માટે ડ્રોન મોકલી રહ્યું છે. આ પહેલીવાર નથી જ્યારે ડ્રેગનની આવી હરકતો સામે આવી હોય આ પહેલા પણ ઘણી વખત આવું ષડયંત્ર રચવામાં આવ્યું છે. ભૂતકાળમાં પણ તેણે ભારતીય સરહદી વિસ્તારોમાં જાસૂસી કરી છે.
'સરકારે કડક પગલાં ભરવા જોઈએ'
કિન્નૌર જિલ્લાના 55 ગામોને 'વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ'માં સામેલ કરવામાં આવ્યા હતા. જેનો ઉદ્દેશ્ય સરહદી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનો છે. કિન્નૌર અને લાહૌલ-સ્પીતિ ચીન સાથે 240 કિલોમીટર લાંબી સરહદ વહેંચે છે, જે નવ ઊંચા પર્વતીય માર્ગોમાંથી પસાર થાય છે. મંત્રીએ સરકારને ચીનની આ કાર્યવાહી સામે કડક કાર્યવાહી કરવા વિનંતી કરી છે.