જમ્મુ-કાશ્મીરમાં મોટી આફત આવી છે. છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા અતિ ભારે વરસાદે આજે રવિવારે તારાજી સર્જી હતી. આજે વહેલી સવારે રામબન જિલ્લાના સેરી બાગના વિસ્તારમાં ભારે વરસાદ બાદ વાદળ ફાટવાની ઘટનાએ ભારે તબાહી મચાવી છે. આ ગંભીર ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. વાદળ ફાટવાથી અચાનક પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે પહાડી વિસ્તારનો કાટમાળ ગામ તરફ આવી રહ્યો છે. જેની ચપેટમાં ઘણા લોકો અને ઘરો આવતા લાખોની સંપત્તિનું નુકસાન થયું છે. હાલ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે,
આ ઘટનામાં ભૂસ્ખલનના કેટલાક ભયાનક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં પહાડ પરથી કાટમાળ ખરતો જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં પહાડનો કાટમાળ રસ્તાઓ અને રહેણાંક વિસ્તારો સુધી પહોંચ્યો છે. એક વીડિયોમાં પહાડી રસ્તા પર ગાડીઓની લાંબી લાઈનો લાગી છે અને ભૂસ્ખલનની થઈ રહ્યું છે, અન્ય એક વીડિયોમાં ત્રણ-ચાર ટેન્કર અને અન્ય કેટલીક ગાડીઓ કાટમાળમાં સંપૂર્ણપણે દટાયેલી જોવા મળે છે. આ ઉપરાંત, હોટેલો અને ઘરો પણ કાટમાળથી દબાયેલા દેખાય છે.













