જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના કેરી સેક્ટરમાં એલઓસી નજીક સેનાએ એક ઘૂસણખોરને પકડ્યો છે. તે PoKનો રહેવાસી છે અને પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે. પ્રારંભિક તપાસ અને પૂછપરછ દરમિયાન ઘૂસણખોરે જણાવ્યું કે તેનું નામ મોહમ્મદ યાકુબ છે. તે સુહાના કોટલીનો રહેવાસી છે. બીજી તરફ જમ્મુ ક્ષેત્રના કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓ વિરુદ્ધ મોટું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યારે ઘૂસણખોર પકડાતાં સેના વધુ એલર્ટ બની છે.
જમ્મુ ક્ષેત્રના કઠુઆ જિલ્લાના જંગલ વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિના ઈનપુટ પર સુરક્ષા દળો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. આ ઓપરેશન રવિવારે સાંજે હીરાનગર સેક્ટરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેના અથડામણ પછી વધુ તેજ કરવામાં આવ્યું હતું, જે ત્રીજા દિવસે પણ ચાલુ છે. મંગળવારે સર્ચ ઓપરેશન દરમિયાન ફાયરિંગ પણ થયું હતું.
હેલિકોપ્ટરથી વિસ્તાર પર સેનાની સતત નજર
આ અંગે અધિકારીઓનું કહેવું છે કે સેના દ્વારા શંકાસ્પદ ગતિવિધિ જોઈને આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આતંકીઓને શોધવા માટે સેના હેલિકોપ્ટરથી વિસ્તાર પર નજર રાખી રહી છે. આંતરરાષ્ટ્રીય બોર્ડરથી લગભગ 5 કિલોમીટર દૂર સન્યાલ ગામમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
અડધા કલાકથી વધુ સમય અથડામણ ચાલી
જ્યારે પોલીસકર્મીઓ વિસ્તારમાં પ્રવેશ્યા ત્યારે આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ પછી ભીષણ એન્કાઉન્ટર શરૂ થયું, જે અડધા કલાકથી વધુ સમય સુધી ચાલ્યું. આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશનમાં સુરક્ષા દળોની મદદ માટે વધારાના દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. આતંકવાદીઓએ શનિવારે નાળા કે સુરંગ દ્વારા ઘૂસણખોરી કરી હતી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આતંકવાદીઓના બે જૂથો ઘૂસ્યા?
કઠુઆમાં ચાલી રહેલા ઓપરેશન અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ સાથે ફરી કોઈ સામ-સામે અથડામણ થઈ નથી, પરંતુ સોમવારે એમ-4 કાર્બાઈનના ચાર મેગેઝીન, બે ગ્રેનેડ, એક બુલેટપ્રુફ જેકેટ, ખાદ્યપદાર્થોના અનેક પેકેટ, સ્લીપિંગ બેગ, ટ્રેકસુટ અને પોલીથીન બેગ મળી આવી હતી. શનિવારે ઓછામાં ઓછા પાંચ આતંકીઓના બે જૂથોએ ઘૂસણખોરી કરી હતી.