- દિલ્હી કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ભરાયા પાણી
- 3 વિદ્યાર્થીઓના થયા મોત
- બેઝમેન્ટમાં કોચિંગ ચલાવવાની કોણે આપી પરવાનગી?
દિલ્હીના રાજેન્દ્ર નગરમાં કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાતા 3 વિદ્યાર્થીઓના મોત થયા છે. ત્યારે આ મામલે કોચિંગ સેન્ટરના માલિક અભિષેક ગુપ્તા અને કોઓર્ડિનેટર દેશપાલસિંહની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કલમ 105 (અજાણતા હત્યા), 106 (1) (બેદરકારીથી મૃત્યુ), 115/2 (સ્વેચ્છાએ ઇજા પહોંચાડવી), 290 (ઇમારતોના બાંધકામ અથવા સમારકામના સંબંધમાં બેદરકારી) અને કલમ 35 હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી.
બેઝમેન્ટનો ઉપયોગ કોચિંગ માટે કેમ કર્યો ?
આ મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર ફાયર એનઓસીની નકલ દર્શાવે છે કે બેઝમેન્ટનો ઉપયોગ માત્ર સ્ટોરેજ માટે જ થવાનો હતો. ડીએફએસ ચીફનું કહેવું છે કે આ સ્પષ્ટ ઉલ્લંઘન છે. કાર્યવાહી શરૂ કરવા માટે અમે DCP અને MCDને પત્ર લખીશું. સ્ટોરેજ હેતુ માટે ભોંયરામાં એનઓસી આપવામાં આવી હતી પરંતુ કોચિંગ સંચાલકોએ તેનો અમલ ન કર્યો અને વિદ્યાર્થીઓને બેસાડ્યા.
બેઝમેન્ટમાંથી પાણી કઢાયું બહાર
MCD સુપરવાઈઝર ઋષિપાલે કહ્યું કે કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. માત્ર 3-4 ઈંચ પાણી બચ્યું છે. હાલ બેઝમેન્ટમાંથી પાણી બહાર કાઢવામાં આવી રહ્યુ છે. બિલ્ડીંગ બેઝમેન્ટ સહિત સાવ ખાલી છે. કોઈ ફસાયું નથી. દુર્ઘટના બાદ દિલ્હીના મેયરે આવી રીતે અન્ય જગ્યાએ બેઝમેન્ટમાં કામકાજ ચાલી રહ્યું છે કે કેમ, બિલ્ડીંગ પેટા-નિયમોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે કે કેમ . આવા એકમો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
અધિકારીએને મેયરે આપી સૂચના
દિલ્હીના મેયર શૈલી ઓબેરોયે MCD કમિશનરને સૂચના આપી કે સમગ્ર દિલ્હીમાં આવા તમામ કોચિંગ સેન્ટરો કે જેઓ MCDના અધિકારક્ષેત્રમાં છે અને બેઝમેન્ટ્સમાં વ્યાપારી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે કે કેમ તેની તપાસ થાય. અને બિલ્ડિંગ પેટા-નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હોય તથા ધારા ધોરણોનું પાલન કરતા ન હોવા તેવા લોકો સામે તાત્કાલિક કડક પગલાં લેવા કહ્યું છે.
દોષિતો સામે કાર્યવાહી કરાશે
દિલ્હીના મેયરે કહ્યું કે આ દુર્ઘટના માટે MCDના અધિકારી જવાબદાર છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. જે પણ આ ઘટનામાં દોષિ સાબિત થશે તેની તાત્કાલિક તપાસ કરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. RAF યુનિટ કોચિંગ સેન્ટરની બહાર તૈનાત કરવામાં આવ્યું છે.