બંગાળની ખાડીમાં 23 ઓક્ટોબર સુધીમાં ચક્રવાતી તોફાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ 20 ઓક્ટોબરના રોજ આ માહિતી આપતા આ માટે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે તમામને એલર્ટ રહેવા જણાવ્યું છે. IMDએ માછીમારોને ઓડિશાના દરિયાકાંઠે દરિયાથી દૂર રહેવાની સલાહ આપી છે.


હવામાન વિભાગે ચક્રવાતી તોફાનની આશંકા વ્યક્ત કરી

હવામાન વિભાગ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, 19 ઓક્ટોબરે મધ્ય આંદામાન સમુદ્ર પર બનેલો અપર એર સાયક્લોનિક વિસ્તાર 20 ઓક્ટોબર 2024ના રોજ સવારે 8:30 વાગ્યે ઉત્તર આંદામાન સમુદ્ર પર હતું. તેની અસરને કારણે આગામી 24 કલાક દરમિયાન પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને નજીકના ઉત્તર આંદામાન સમુદ્રમાં નીચા દબાણનું ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે.

ભારે વરસાદની શક્યતા

મળતી માહિતી મુજબ ચક્રવાતી તોફાનના કારણે આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ જેવા તટીય રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. બુલેટિન જાહેર કરીને IMDએ જણાવ્યું હતું કે, આગામી 24 કલાક દરમિયાન આંદામાન સમુદ્ર પર એક ચક્રવાતી પરિભ્રમણ વિસ્તાર સોમવાર સુધીમાં ઓછા દબાણવાળા વિસ્તારમાં પરિવર્તિત થવાની સંભાવના છે. IMDએ જણાવ્યું હતું કે, ઓછા દબાણવાળા વિસ્તારના પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે અને 22 ઓક્ટોબરની સવાર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાશે અને પછી 23 ઓક્ટોબર સુધીમાં પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડામાં બદલાવવાની શક્યતા છે. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, 24 ઓક્ટોબરની સવાર સુધીમાં ચક્રવાતી તોફાન ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાથી દૂર બંગાળની ખાડીની ઉત્તર-પશ્ચિમ બાજુએ પહોંચવાની સંભાવના છે.

ભારે પવન ફૂંકાશે

તોફાનના કારણે 23 થી 25 ઓક્ટોબર સુધી ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. તેને જોતા માછીમારોને 21 ઓક્ટોબર સુધીમાં દરિયાકાંઠે પરત ફરવાની સલાહ આપવામાં આવી છે. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે, તોફાનની અસરને કારણે 21 ઓક્ટોબરની સવારે 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સાંજે તેની સ્પીડ વધીને 60 કિમી પ્રતિ કલાક થઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં 23 ઓક્ટોબરથી વરસાદની સંભાવના છે, જ્યારે આગામી બે દિવસ 24 અને 25ના રોજ ભારે વરસાદની સંભાવના છે.

  • Follow us on: