- બંગાળની ખાડીમાં સર્જાયુ છે ડીપ ડિપ્રેશન
- ચક્રવાતી તોફાના મિધિલીની અસર
- દિલ્હી સહિતના રાજ્યોમાં વરસાદની અસર
બંગાળની ખાડીમાંથી ઉદભવેલુ ચક્રવાત મિધિલી શનિવારે સવારે નબળુ પડીને ત્રિપુરાથી બાંગ્લાદેશ ઉપર એક ગાઢ દબાણમાં પરિવર્તિત થઇ ગયુ છે. જેને લઇને આગામી 6 કલાકમાં દક્ષિણ અસમ, મિઝોરમ અને ત્રિપુરાની ઉપર ઉત્તર પૂર્વની તરફ વધવાની સંભાવના છે. મહત્વનું છે કે બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન શુક્રવારે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું. જેના કારણે પશ્ચિમ બંગાળ, ઓડિશા સહિત પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ભારતીય હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યું કે ચક્રવાતી તોફાન 'મિધિલી' 17 નવેમ્બરની રાત્રે અથવા 18 નવેમ્બરની સવારે બાંગ્લાદેશનો દરિયાકાંઠાને પાર કરી શકે છે. જેને પગલે માછીમારોને 18 નવેમ્બર સુધી ઉત્તર બંગાળની ખાડી અને પશ્ચિમ બંગાળના કિનારા નજીકના દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. હવામાન વિભાગે અગાઉ કહ્યું હતું કે ચક્રવાતી તોફાન બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચતા પહેલા સુંદરવનમાંથી પસાર થશે. આઇએમડીએ તેના બુલેટિનમાં જણાવ્યું હતું કે ચક્રવાતી તોફાન "મિધિલી" ત્રિપુરા અને બાંગ્લાદેશને અડીને આવેલા મજડીકોર્ટ (બાંગ્લાદેશ) ના લગભગ 50 કિમી ઉત્તર-ઉત્તર પૂર્વમાં અને અગરતલાના 60 કિમી દક્ષિણ-પૂર્વમાં ઊંડા ડિપ્રેશનમાં નબળું પડી ગયું છે.
અહીં વરસાદની સંભાવના
SkyWeather અનુસાર, આગામી 24 કલાક દરમિયાન ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય આસામ, મણિપુર, મિઝોરમ અને નાગાલેન્ડમાં ભારે વરસાદ પડશે. આ સિવાય ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક દરિયાકાંઠાના સ્થળો જેવા કે સાતપારા, પુરી, જગતસિંહ, કેન્દ્રપારા, નંદીગ્રામ અને દક્ષિણ 24 પરગણામાં તોફાની વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને અન્ય વિસ્તારોમાં આજે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. આજે યુપીમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેવાની શક્યતા છે.
સુંદરવનમાંથી પસાર થશે ચક્રવાત
બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન શુક્રવારે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું હતું અને મહત્તમ 80 કિમી પ્રતિ કલાકની ઝડપે તે બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચતા પહેલા સુંદરવનમાંથી પસાર થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી છે. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે ચક્રવાતી તોફાન 'મિધિલી' 17 નવેમ્બરની રાત્રે અથવા 18 નવેમ્બરની સવારે બાંગ્લાદેશના તટને પાર કરી શકે છે.