દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી એક પણ બેઠક જીતી શકી નથી અને આ ચૂંટણીમાં હારની હેટ્રિક છે, જેમાં સૌથી જૂની પાર્ટી સતત ત્રીજી વખત દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં એક પણ બેઠક જીતી શકી નથી. તમામ 70 બેઠક પર ચૂંટણી લડવા છતાં પાર્ટીના ઉમેદવારોને ચૂંટણીમાં મોટી હારનો સામનો કરવો પડ્યો છે.
કોંગ્રેસ સરકાર 15 વર્ષ સુધી સત્તામાં હતી
70 બેઠકમાંથી 67 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે આ અંગે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું કે જ્યારે કોઈ પાર્ટી પોતાના પરિવારની પૂજા કરવાનું શરૂ કરે છે, ત્યારે તેનું શું થાય છે, તેનું સૌથી મોટું ઉદાહરણ કોંગ્રેસ છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં, જ્યાં એક દાયકા પહેલા કોંગ્રેસ સરકાર 15 વર્ષ સુધી સત્તામાં હતી, ત્યાં 2014થી યોજાયેલી 6 ચૂંટણીઓમાં કોંગ્રેસે પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી.
કોંગ્રેસ 3 બેઠક પર પોતાની ડિપોઝીટ બચાવવામાં સફળ રહી
અમિત શાહે કહ્યું કે આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 70માંથી 67 બેઠક પર પોતાની ડિપોઝીટ ગુમાવી દીધી છે. રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસને ક્યાંય સ્થિરતા મળી હોય તો તે શૂન્યમાં મળી છે. આ દેશભરમાં કોંગ્રેસની સ્થિતિને પ્રતિબિંબિત કરે છે જે એક પરિવારની સેવા માટે સમર્પિત છે. તમને જણાવી દઈએ કે પાર્ટી જે 3 બેઠક પર પોતાની ડિપોઝીટ બચાવવામાં સફળ રહી હતી તે છે બાદલી, કસ્તુરબા નગર અને નાંગલોઈ જાટ. જોકે, પાર્ટીના મત હિસ્સામાં નજીવો વધારો જોવા મળ્યો, જે 2020માં 4.26%થી વધીને આ વર્ષે 6.4% થયો. ચૂંટણી પંચના નિયમો અનુસાર, ડિપોઝિટની રકમ જાળવી રાખવા માટે, ઉમેદવારે મતવિસ્તારમાં મળેલા કુલ મતોના ઓછામાં ઓછા છઠ્ઠા ભાગ અથવા 16.67 ટકા મત મેળવવાની જરૂર છે, પરંતુ કોંગ્રેસના ઉમેદવારોને 67 બેઠક પર આટલા પણ મત મળ્યા નથી, તેથી તેમની ડીપોઝીટ જપ્ત કરવામાં આવી છે.
મતદાનની ટકાવારીમાં વધારો થવા છતાં કોંગ્રેસને મળી હાર
લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 34(1)(B) મુજબ, વિધાનસભા ચૂંટણી લડતા સામાન્ય ઉમેદવારે 10,000 રૂપિયાની સુરક્ષા રકમ જમા કરાવવાની હોય છે. SC/ST ઉમેદવારોએ 5,000 રૂપિયાની સુરક્ષા રકમ જમા કરાવવાની રહેશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસને એક સમયે દિલ્હીના રાજકારણમાં મુખ્ય શક્તિ માનવામાં આવતી હતી કારણ કે તેણે 1998થી 2013 સુધી તત્કાલીન મુખ્યમંત્રી શીલા દીક્ષિતના નેતૃત્વમાં સતત 15 વર્ષ રાજધાની પર શાસન કર્યું હતું. પરંતુ ચૂંટણી પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે પક્ષને હવે મતદારોએ સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. જો કોંગ્રેસ માટે કોઈ આશ્વાસન હોય તો તે એ છે કે તેનો મત હિસ્સો નજીવો વધ્યો છે, જે આ વર્ષે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે એકમાત્ર આશ્વાસન છે કારણ કે 2020ની સરખામણીમાં તેમાં લગભગ 2 ટકાનો વધારો થયો છે, જ્યારે તે 5%થી નીચે આવી ગયો હતો.













