દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં 27 વર્ષ બાદ બીજેપીએ જીત મેળવી છે. જો કે હજી બીજેપી નક્કી કરી શકી નથી કે દિલ્હીની સુકાન કોને સોંપવી. શપથ ગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ થાય તેવી સંભાવના છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એક દિવસ પહેલા એટલે કે 19 ફેબ્રુઆરીએ બીજેપીની ધારાસભ્ય દળની બેઠક મળશે.શપથ ગ્રહણ સમારોહ માટે કોઈ સ્થળ નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ આ કાર્યક્રમ રામલીલા મેદાનમાં યોજાવાની શક્યતા હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.
રામલીલા મેદાનમાં શપથગ્રહણ સમારોહ- સૂત્રો
સૂત્રોએ અગાઉ જણાવ્યું હતું કે ભાજપે 19 ફેબ્રુઆરીએ વિધાનસભા પક્ષની બેઠક બોલાવી છે. અગાઉ આ બેઠક 17 ફેબ્રુઆરીએ બોલાવવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને મુલતવી રાખવામાં આવી હતી. મુખ્યમંત્રીનું નામ નક્કી કરતા પહેલા પાર્ટી તેના ધારાસભ્યોની બેઠક કરશે.
મહત્વનું છે કે મુખ્યમંત્રીની પસંદગીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય ચર્ચાઓ ચાલી રહી છે. પરવેશ વર્મા, આશિષ સૂદ અને રેખા ગુપ્તા સહિત અનેક નામોની અટકળો ચાલી રહી છે. જોકે આ અંગે હજુ સુધી પાર્ટી દ્વારા કોઇ જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ એમ કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદી અમેરિકાથી પરત ફરે ત્યારબાદ તેઓ દિલ્હીમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
કયા નામો છે રેસમા ?
- દિલ્હીના મુખ્યમંત્રી પદની રેસમાં સામેલ નામોમાં, પ્રવેશ વર્મા સૌથી આગળ છે, જેમણે નવી દિલ્હી બેઠક પરથી AAP વડા અરવિંદ કેજરીવાલને હરાવ્યા હતા.
- દિલ્હી ભાજપના મહાસચિવ અને જનકપુરીના ધારાસભ્ય આશિષ સૂદનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, જેઓ કેન્દ્રીય નેતાઓ સાથે ગાઢ સંબંધો માટે જાણીતા છે
- મહિલા ચહેરા તરીકે, શાલીમાર બાગના ધારાસભ્ય રેખા ગુપ્તાને પણ મુખ્યમંત્રી પદની દાવેદાર માનવામાં આવી રહી છે.
- રોહિણીના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાનું નામ પણ ચર્ચામાં છે, જેઓ દિલ્હી ભાજપના સૌથી વરિષ્ઠ નેતાઓમાંના એક છે અને દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચૂક્યા છે.
- માલવિયા નગરના ધારાસભ્ય સતીશ ઉપાધ્યાય પણ રેસમાં છે, જે પાર્ટીના એક અગ્રણી બ્રાહ્મણ ચહેરા અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ છે.
- વૈશ્ય સમુદાયમાંથી આવતા અને RSSના મજબૂત પ્રતિનિધિ જીતેન્દ્ર મહાજન પણ મુખ્યમંત્રી પદના ટોચના દાવેદારોમાં સામેલ છે.
ઉલ્લેખનીય છે કે પાર્ટીના નેતાઓએ રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા મુખ્યમંત્રી તરીકે મહિલાને નિયુક્ત કરવાની અથવા સંપૂર્ણપણે નવા ચહેરાને પસંદ કરવાની શક્યતાનો સંકેત આપ્યો હતો.. ગ્રેટર કૈલાશમાં AAPના સૌરભ ભારદ્વાજને હરાવીને જીત મેળવનાર શિખા રોય, અન્ય એક અગ્રણી મહિલા ચહેરા તરીકે વિચારણા હેઠળ હોવાનું જાણવા મળે છે.