દેશની રાજધાની દિલ્હીમાં શિયાળાની શરૂઆત સાથે જ વાયુ પ્રદૂષણનું સ્તર વધવા લાગ્યું છે. સોમવારે દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 300ને વટાવી ગયો અને હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ છે. આને ધ્યાનમાં રાખીને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)નું બીજું સ્તર લાગુ કરવામાં આવ્યું છે.
22 ઓક્ટોબરથી દિલ્હીમાં ગ્રેપ-2 લાગુ
દિલ્હી અને NCRમાં હવાની ગુણવત્તા પર નજર રાખનારા કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)એ સોમવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ગ્રેપ લેવલ-1 દિલ્હીમાં પહેલેથી જ અમલમાં છે. આ ઉપરાંત, ગ્રેપનો બીજો તબક્કો પણ 22 ઓક્ટોબરના રોજ સવારે 8:00 વાગ્યાથી દિલ્હી સહિત નેશનલ કેપિટલ રિજન (NCR)માં લાગુ કરવામાં આવશે.
ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન
ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન જેને ટૂંકમાં ગ્રેપ કહેવાય છે. તે એક સરકારી યોજના છે જે દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે બનાવવામાં આવી છે. ગ્રેપના ચાર સ્તર હોય છે. જેમ જેમ હવાની ગુણવત્તા બગડે છે, એટલે કે AQI સ્તર વધે છે, તેમ ગ્રેપના તબક્કાઓ પણ વધે છે અને દરેક તબક્કા સાથે નિયંત્રણો પણ વધે છે. ગ્રેપ-2ના અમલીકરણ સાથે દિલ્હી અને NCRમાં તે કામો પર પ્રતિબંધ મૂકવામાં આવશે જેના કારણે વાયુ પ્રદૂષણમાં વધારો થવાની સંભાવના છે.
ગ્રેપના અલગ-અલગ તબ્બકા
દિલ્હી અને NCRમાં જ્યારે AQI સ્તર 201 થી 300 ની વચ્ચે જાય છે, ત્યારે ગ્રેપનો પ્રથમ તબક્કો લાગુ કરવામાં આવે છે. જ્યારે AQI 301થી 400ની વચ્ચે હોય છે, ત્યારે ગ્રેપનો બીજો તબક્કો લાગુ કરવામાં આવે છે. જો AQI સ્તર 400થી 500ની વચ્ચે જાય તો ગ્રેપનો ત્રીજો તબક્કો લાગુ કરવામાં આવે છે અને જો AQI 500થી વધુ હોય તો ગ્રેપનો ચોથો તબક્કો લાગુ કરવામાં આવે છે.
કયા ગ્રેપના સ્તર પર પ્રતિબંધો શું છે?
ગ્રેપ-1
ગ્રેપ-1 માં બાંધકામ અને ડિમોલિશન સાઇટ્સ પર ધૂળ ઘટાડવા માટે તમામ પગલાં લેવાના રહેશે. પાંચસો ચોરસ મીટરથી વધુના બાંધકામ માટે નોંધણી જરૂરી છે. ખુલ્લામાં કાટમાળ ન ફેંકવા જણાવાયું છે. ડમ્પિંગ સાઈટ પર આગ લાગતી અટકાવવાના પ્રયાસો કરવામાં આવે છે અને જે ટ્રકોને દિલ્હી આવવું પડતું નથી તેને પેરિફેરલ એક્સપ્રેસ વે દ્વારા દિલ્હીની બહાર વાળવામાં આવે છે. કોલસા અને લાકડાના ઉપયોગ પર પ્રતિબંધ છે.
ગ્રેપ-2
ગ્રેપ-2માં પ્રતિબંધો વધ્યા છે. ઉદાહરણ તરીકે, પાર્કિંગ ફીમાં વધારો કરવામાં આવે છે જેથી લોકો ખાનગી વાહનોનો ઓછો ઉપયોગ કરે. જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવા માટે મેટ્રો ફ્રીક્વન્સીઝ વધારવામાં આવે છે. ડીઝલ જનરેટરના ઉપયોગ પર પ્રતિબંધ છે અને લોકોને કુદરતી ગેસ જનરેટર ચલાવવા માટે કહેવામાં આવે છે. આ સિવાય આગ, કોલસા વગેરે પર અનેક પ્રકારના નિયંત્રણો લાદવામાં આવે છે.
ગ્રેપ-3
ગ્રુપ-3માં NCRથી દિલ્હીમાં ડીઝલ બસો અને ટ્રેનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. CNG, BS-VI અને ઇલેક્ટ્રિક બસોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત આ પ્રતિબંધ ઇન્ડિયા ટુરિસ્ટ પરમિટ ધરાવતી બસો અથવા વાહનો પર પણ લાગુ પડતો નથી. આ સાથે ખાનગી બાંધકામ અને સરકારી પ્રોજેક્ટ્સ પર નિયંત્રણો લાદવામાં આવે છે. વેલ્ડીંગ અને ગેસ કટીંગ કામ પર પ્રતિબંધ હોય છે. સિમેન્ટ, પ્લાસ્ટર અને કોટિંગનું કામ કરવામાં આવતું નથી. ટાઇલ્સ, પત્થરો અને ફ્લોર સામગ્રીને કાપવા, પીસવા અને ફિક્સ કરવા પર પ્રતિબંધ હોય છે.
ગ્રેપ-4
ગ્રેપ-4માં માત્ર સીએનજી, ઈલેક્ટ્રિક ટ્રક અને ઈમરજન્સી સામાન વહન કરતી ટ્રકોને જ દિલ્હીમાં પ્રવેશવાની છૂટ છે. વધુમાં EV/CNG/BS-VI ડીઝલ વાહનો સિવાયના દિલ્હી-રજિસ્ટર્ડ નાના કોમર્શિયલ વાહનોને દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી નથી. હાઈવે, રોડ, ફ્લાયઓવર, ઓવરબ્રિજ, પાઇપલાઇન વગેરે જેવા જાહેર પ્રોજેક્ટને લગતા કામો બંધ કરવામાં આવે છે. જ્યારે શાળાઓમાં રજાઓ આપવામાં આવે છે અને ઓનલાઈન અભ્યાસ પર ભાર આપવામાં આવે છે. તેમજ ઓફિસોમાં ઘરેથી કામને પ્રોત્સાહન આપવામાં આવે છે.













