છેલ્લા ઘણા સમયથી ડિઝિટલ એરેસ્ટની ઘટનાઓ સામે આવી રહી છે. નિર્દોષ લોકોને છેતરીને લાખો રૂપિયા પચાવી પાડવામાં આવે છે. આ અંગે પીએમ મોદીએ પણ મન કી બાતમાં ડિઝિટલ અરેસ્ટ શું હોય છે તેને લઇને માહિતી આપી હતી. ત્યારે સાયબર ફ્રોડથી જોડાયેલી ઘટનાઓથી પીછો છોડાવવા સરકારે મોટુ પગલુ ભર્યુ છે. ડિઝિટલ અરેસ્ટ અને સાયબર છેતરપિંડીનો સામનો કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.
તાત્કાલિક પગલા લેવા સૂચના
MHA આંતરિક સુરક્ષા સચિવ આ સમિતિ પર નજર રાખી રહ્યા છે, આ માટે એક વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. MHAની I4C વિંગે તમામ રાજ્યોની પોલીસનો સંપર્ક કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડિજિટલ ધરપકડની ઘટનાઓ પર તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
શું થઇ છે કાર્યવાહી ?
મળતી માહિતી મુજબ આ વર્ષે ડિજિટલ ધરપકડની 6000થી વધુ ફરિયાદો નોંધાઈ છે. સાયબર ફ્રોડ અને ડિજિટલ ધરપકડની ઘટનાઓમાં 6 લાખ મોબાઈલ ફોન સામેલ છે, જેને MHA સાયબર વિંગ દ્વારા બ્લોક કરવામાં આવ્યા છે. વિંગે અત્યાર સુધીમાં 709 મોબાઈલ એપ્સ પણ બ્લોક કરી છે. આ સાથે સાયબર ફ્રોડમાં સંડોવાયેલા 1 લાખ 10 હજાર IMEI બ્લોક કરવામાં આવ્યા હતા અને 3.25 લાખ નકલી બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા.
ડિજિટલ અરેસ્ટ શું છે?
ડિજિટલ એરેસ્ટએ સાયબર છેતરપિંડીનું એક નવું સ્વરૂપ છે. જેમાં ફેક કાયદા અમલીકરણ અધિકારીઓ બનીને ઓડિયો અને વીડિયો કોલ કરીને લોકોને ધમકાવવામાં આવે છે. ધરપકડનુ ખોટુ બહાનુ આપીને ડિઝિટલી તેમને બંધક બનાવી લે છે. આ સપ્તાહની શરૂઆતમાં કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઇન્ડિયાએ એક લિસ્ટ શેર કર્યુ છે જેમાં દેશની અંદર ઓનલાઇન છેતરપિંડી કરવાના ડઝનથી વધારે તરકીબો જણાવવામાં આવે છે. જેમાં લોકોના પૈસા અને પર્સનલ ડેટા ચોરીને છેતરવાને ડિઝિટલ અરેસ્ટ કહેવામાં આવે છે. તે લિસ્ટમાં ડિઝિટલ અરેસ્ટનો પણ સમાવેશ છે.
ડિઝિટલ એરેસ્ટ માત્ર ફ્રોડ, જુઠ્ઠાણુ છે- પીએમ મોદી
પીએમ મોદીએ ડિઝિટલ એરેસ્ટને લઇને એક ઓડિયો શેર કર્યો. તે બાદ તેમણે જણાવ્યું કે આ રીતે સીબીઆઇ, પોલીસ અને મોટા દિગ્ગજોના નામે કોલ આવે છે. તેમણે ડિઝિટલ એરેસ્ટ શું છે તેના વિશે પીએમ મોદીએ આ વિશે સમજાવતા કહ્યું કે આ લોકો પહેલા વ્યક્તિગત જાણકારી મેળવી લે છે. તમે ક્યાં ગયા હતા. તમારા બાળકો ક્યાં ભણે છે તે તમામ જાણકારી મેળવી લે છે. તેઓ વર્દી, કાનૂની સેટ અપ બધુ કરીને તમને ડરાવી દે છે. . પછી તેઓ પીડિત પર મનોવૈજ્ઞાનિક પ્રેશર બનાવે છે. આથી લોકો ડરના માર્યા લાખો રૂપિયા ગુમાવી દે છે. આવો કોઇ કોલ આવે તો તમારે ડરવાનું નથી. તમારે આ અંગે ઉતાવળ નહી કરવાની પહેલા તો વિચારવાનું કે શું આવો ફોન કોલ આવ્યો તે સાચો હોઇ શકે. ત્યાર બાદ જ કોઇ એક્શન લેવાના, પીએમ મોદીએ કહ્યું કે કોઇ પણ તપાસ એજન્સી ફોન કે વીડિયો કોલ પર આવી રીતે પૂછપરછ કરતી નથી.
તપાસ એજન્સીઓ કામ કરી રહી છે- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે તપાસ એજન્સીઓ રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહી છે. એજન્સીઓ તરફથી ફ્રોડ કરનારા હજારો આઇડી બ્લોક કરાયા છે. સીમ કાર્ડ અને બેંક અકાઉન્ટ બ્લોક કરી રહી છે. આ સ્કેમથી બચવુ જરૂરી છે તે માટે દરેક નાગરિકે જાગૃત રહેવાની જરૂર છે. જે લોકો આ ફ્રોડનો શિકાર બને છે તેમણે લોકોને પણ જણાવવુ જોઇએ. શાળા કોલેજમાં વિદ્યાર્થીઓને આ જાગૃતિ અભિયાનમાં જોડો.













