ભારત સંરક્ષણ ક્ષેત્રે સમયની સાથે સતત પ્રગતિ કરી રહ્યું છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ 16 નવેમ્બર 2024 ના રોજ ઓડિશાના દરિયાકાંઠે ડૉ એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી તેની લાંબા અંતરની હાયપરસોનિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે દેશના પ્રથમ લાંબા અંતરના હાઇપરસોનિક મિશનના સફળ ઉડાન પરીક્ષણ માટે DRDO, સશસ્ત્ર દળો અને ઉદ્યોગને અભિનંદન પાઠવ્યા છે.
રાજનાથ સિંહે સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરીને અભિનંદન પાઠવ્યા હતા
આ અવસર પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, ભારતે ઓડિશાના દરિયાકાંઠે આવેલા ડૉ એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી લાંબા અંતરની હાયપરસોનિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ એક ઐતિહાસિક ક્ષણ છે. તેમણે વધુમાં કહ્યું કે, આ સિદ્ધિએ આપણા દેશને તે દેશોની બરાબરી પર લાવી દીધો છે, જેમની પાસે આટલી મહત્વપૂર્ણ અને આધુનિક સૈન્ય તકનીક છે.
હાઇપરસોનિક મિસાઇલ શું છે?
હાઇપરસોનિક મિસાઇલ અવાજની ઝડપે ઓછામાં ઓછી પાંચ ગણી (કલાકના 1235 કિમી) ઉડી શકે છે. એટલે કે તેની મિનિમમ સ્પીડ 6174 કિમી પ્રતિ કલાક છે. હાઇપરસોનિક મિસાઇલ ક્રુઝ અને બેલિસ્ટિક મિસાઇલ બંનેની વિશેષતાઓથી સજ્જ છે. આ મિસાઈલ પ્રક્ષેપણ બાદ પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી જાય છે. આ પછી તે જમીન અથવા હવામાં હાજર લક્ષ્યને નિશાન બનાવે છે. તેમને રોકવું ખૂબ મુશ્કેલ છે. ઉપરાંત, તેમની વધુ ઝડપને કારણે, રડાર પણ તેમને પકડી શકતા નથી.
વિશ્વના પસંદગીના દેશોમાં ભારત
આ મિસાઈલને ડો. એપીજે અબ્દુલ કલામ મિસાઈલ કોમ્પ્લેક્સ, હૈદરાબાદની પ્રયોગશાળાઓ અને અન્ય વિવિધ DRDO પ્રયોગશાળાઓ અને ઉદ્યોગ ભાગીદારો દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે. DRDO અને સશસ્ત્ર દળોના વરિષ્ઠ વૈજ્ઞાનિકોની હાજરીમાં ફ્લાઇટ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. DRDO દ્વારા આ અભૂતપૂર્વ સિદ્ધિ અદ્યતન હાઇપરસોનિક મિસાઇલ ટેક્નોલોજી ધરાવતા દેશોના પસંદગીના જૂથમાં ભારતની સ્થિતિને મજબૂત બનાવે છે. આ મિસાઇલ ભારતની વધતી જતી આત્મનિર્ભરતા અને "મેક ઇન ઇન્ડિયા" પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.