યુપીના બહરાઇચમાં થયેલી હિંસા મામલે આરોપીઓનું એન્કાઉન્ટર થયું હોવાનું  સામે આવ્યું છે.  નેપાળ સીમા પાસે આરોપીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં આરોપી સરફરાઝને ગોળી વાગી હોવાનું સામે આવ્યું છે. આરોપી સરફરાઝ અને તાલિબને ગોળી વાગતા ઘાયલ થયા હોવાનુ સામે આવ્યું છે.  રામગોપાલને ગોળી મારનાર મુખ્ય આરોપી સરફરાઝ પણ એન્કાઉન્ટરમાં ઘાયલ થયો છે. આ બંને આરોપીઓ નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતા. 


5 આરોપી ઝડપાયા

ADG લૉ એન્ડ ઓર્ડર અમિતાભ યશે જણાવ્યુ કે હાલ કોઇ જાનહાનિના સમાચાર નથી પરંતુ પોલીસે 5 આરોપીઓને ઝડપ્યા છે. શરૂઆતી જાણકારી મુજબ 5 આરોપી ઝડપાયા છે. એન્કાઉન્ટર દરમિયાન 2 લોકોનો ગોળીવાગી છે. નેપાળ સરહદ પાસે હાંડા બસેહરી નહેર પાસેનો આ મામલો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે જે બે લોકોને ગોળી વાગી તેઓ બહરાઇચ હિંસામાં માર્યા ગયેલા રામ ગોપાલ મિશ્રાની હત્યામાં સામેલ હતો. તેણે જ તેના મિત્રો સાથે મળીને રામ ગોપાલ પર ફાયરિંગ કર્યું હતું. ઘટનાના સમયના કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં અબ્દુલ હમીદના ટેરેસ પર ચારથી પાંચ લોકો જોવા મળે છે. રામ ગોપાલને આ ટેરેસ પર ગોળી વાગી હતી.

કેવી રીતે ભડકી હતી હિંસા ? 

મહત્વનું છે કે બહરાઇચના હરડી પોલીસ સ્ટેશન વિસ્તારના રેહુઆ મન્સુર ગામનો રહેવાસી રામ ગોપાલ મિશ્રાને ગોળી વાગી હતી. સાંજે 6 વાગે દુર્ગા મૂર્તિના વિસર્જનની શોભાયાત્રા નીકળી હતી. જેમાં અનેક લોકો સામેલ થયા હતા. આ શોભાયાત્રા એક ચોક્કસ સમુદાયના વિસ્તારમાંથી પસાર થઇ હતી ત્યારે બંને સમુદાય વચ્ચે બોલાચાલી થઇ હતી. આરોપ છે કે આ દરમિયાન ધાબા પરથી પથ્થરો ફેંકાવા લાગ્યા હતા. વિસર્જન દરમિયાન નાસભાગ મચી હતી. આ દરમિયાન ઘરની છત પર ચઢેલા રામ ગોપાલને ગોળી વાગતા તેનું મોત થયું હતું.

યુપી સીએમએ લીધી નોંધ 

રામગોપાલની મોતના સમાચાર મળ્યા બાદ મહારાજગંજ વિસ્તારમાં હોબાળો શરૂ થઇ ગયો હતો. આક્રોશમાં આવેલા પ્રદર્શનકારીઓએ આરોપીના ઘર સહિત અનેક વાહનોમાં તોડફોડ કરીને તેમાં આગ ચાંપી હતી. બીજા દિવસે પણ હિંસા યથાવત જોવા મળી હતી. મામલો એટલો ગરમાયો કે મોટી સંખ્યામાં પોલીસને બોલાવવી પડી હતી. આ મામલાની ખુદ સીએમ યોગીએ નોંધ લીધી હતી. જો કે હાલમાં તો અહીં માહોલ સામાન્ય છે.

 

  • Follow us on: