ઉત્તર પ્રદેશની યોગી સરકારે 2015માં કાનપુરમાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં આરોપીઓ સામે ચાલી રહેલા કેસને પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. સાંપ્રદાયિક હિંસાને કારણે પોલીસે 32 આરોપીઓ સામે કેસ નોંધ્યો હતો. સરકારે તાજેતરમાં પ્રથમ કેસ વિશે માહિતી માગી હતી અને ત્યારબાદ 8 ઓક્ટોબરે જિલ્લા વહીવટીતંત્રને આ સંદર્ભે પત્ર પાઠવ્યો હતો.
ઉત્તર પ્રદેશની યોગી સરકારે 2015માં કાનપુરમાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં આરોપીઓને લઈને મોટો નિર્ણય લીધો છે. યુપી સરકારે 32 આરોપીઓ સામે ચાલી રહેલા કેસ પાછા ખેંચવાનો નિર્દેશ આપ્યો છે. કાનપુરમાં 2015માં મોહરમના જુલૂસ દરમિયાન બે જૂથો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. આ પછી હિન્દુ સમુદાયના 32 આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યા હતા.
સરકારે આરોપીઓ સામે નોંધાયેલા કેસોની માહિતી માગી હતી. આ પછી કેસ પાછો ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુપી સરકારે 8 ઓક્ટોબરે આ સંબંધમાં જિલ્લા વહીવટીતંત્રને એક પત્ર જારી કર્યો હતો. જિલ્લા વહીવટીતંત્રને સંબંધિત કોર્ટમાં કેસ પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. સરકારી વકીલોને સંબંધિત કોર્ટમાં પિટિશન દાખલ કરીને કેસો પાછા ખેંચવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
વહીવટીતંત્રે માહિતી આપી હતી
એક સરકારી વકીલે માહિતી આપી હતી કે અમને એક પત્ર મળ્યો છે જેમાં અમને કેસ પાછો ખેંચવા માટે સંબંધિત કોર્ટમાં અરજી દાખલ કરવાની સૂચના આપવામાં આવી છે. જો કે, અમે હજુ સુધી અરજી સબમિટ કરી નથી. તેમણે જણાવ્યું કે, 8 ઓક્ટોબરે લખાયેલો પત્ર રાજ્ય સરકારના વિશેષ સચિવ દ્વારા મોકલવામાં આવ્યો હતો. અગાઉ, સરકારે આ કેસની માહિતી તેમજ પોલીસ અને વકીલો સહિતના જિલ્લા અધિકારીઓનો અભિપ્રાય માંગ્યો હતો.
અથડામણ કેમ થઈ?
24 ઓક્ટોબર, 2015ના રોજ કાનપુરના ફઝલગંજ વિસ્તારમાં કોમી હિંસા ફાટી નીકળી હતી, એક દિવસ પછી મોહરમના જુલૂસ દરમિયાન ધાર્મિક પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા હતા. આ હિંસા ઝડપથી અન્ય વિસ્તારોમાં ફેલાઈ ગઈ. આ વિસ્તારમાં બે જૂથો વચ્ચે ભારે પથ્થરમારો અને ગોળીબારના બનાવો બન્યા હતા. હિંસામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. પોલીસે બાદમાં મામલો કાબુમાં લીધો હતો અને આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
પોલીસે આ કેસમાં 32 આરોપીઓ વિરુદ્ધ કલમ 147, 153A, 295A, 353, 332, 336 સહિતની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. હવે યુપી સરકારે આ કેસ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે.