સુપ્રીમ કોર્ટમાં આજે મંગળવારે EVMની ચકાસણી અંગે નીતિ ઘડવાની માગ કરતી અરજીઓ પર સુનાવણી હાથ ધરાઈ હતી. આ અરજીમાં માગ કરવામાં આવી છે કે ચૂંટણી પંચને EVMની મેમરી/માઈક્રોકન્ટ્રોલરની તપાસ અને ચકાસણી કરવાનો નિર્દેશ આપવામાં આવે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું છે કે હાલ પૂરતું EVMમાંથી કોઈપણ ડેટા ડિલીટ કે રિલોડ ન કરવો જોઈએ.
EVMના સોફ્ટવેર અને હાર્ડવેરની તપાસ કરવામાં આવે
એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સની અરજી પર CJI સંજીવ ખન્નાએ પૂછ્યું, આ શેના માટે છે? આ અંગે વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ ECI જે પ્રક્રિયાનું પાલન કરે તે તેમના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ અનુસાર હોવી જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે કોઈ EVMના સોફ્ટવેર અને હાર્ડવેરની તપાસ કરે. જેથી જાણી શકાય કે સોફ્ટવેર અને હાર્ડવેરમાં કોઈ ચેડાં થયા છે કે નહીં.
ડેટા ડિલીટ કે ફરીથી લોડ કરશો નહીં: સુપ્રીમ કોર્ટ
આની પર CJIએ કહ્યું કે, અમે કરણ સિંહ દલાલની અરજીમાં દખલ કરવા તૈયાર નથી. અમે તેને 15 દિવસ પછી રાખીશું. ત્યાં સુધી તમારો જવાબ સબમિટ કરો. આ ઉપરાંત ડેટા ડિલીટ કે રીલોડ કરશો નહીં, ફક્ત તપાસ થવા દો. શું મત ગણતરી પછી પેપર ટ્રેલ્સ દૂર કરવામાં આવે છે કે તે ત્યાં જ રહે છે? આ અંગે વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે, પેપર ટ્રેલ્સ રાખવા જોઈએ. વરિષ્ઠ વકીલ દેવદત્ત કામથે કહ્યું કે હું સર્વમિત્ર વતી હાજર થયો છું. સમગ્ર ડેટા ડિલીટ કરી દેવામાં આવ્યો હતો, જે EVM દ્વારા મતદાન થયું હતું તેની તપાસ થવી જોઈએ. મૂળ યુનિટ નહીં પણ ડમી યુનિટ તપાસવામાં આવે છે. દરેક EVM તપાસવા માટે 40,000 રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે અને તે ઉમેદવારે ચૂકવવા પડે છે. આ ફક્ત એક મોક પોલ છે.
આ અરજી આટલી મોડી કેમ દાખલ કરી?
અરજી વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મનીન્દર સિંહે જણાવ્યું હતું કે બિનશરતી પરત ખેંચી લીધા પછી તેમણે આવી અરજી દાખલ કરવાનો અધિકાર ગુમાવી દીધો છે. અહીં તે વકીલોના એ જ જૂથ દ્વારા દાખલ કરવામાં આવ્યું છે. આવી અરજી જસ્ટિસ દીપાંકર દત્તા સમક્ષ આવી અને તેને પાછી ખેંચી લેવામાં આવી. આ દરમિયાન જસ્ટિસ દત્તાએ પૂછ્યું કે, તમે આ અરજી આટલી મોડી કેમ દાખલ કરી? વરિષ્ઠ વકીલ ગોપાલે કહ્યું કે પહેલી અરજી અને આદેશ જોડાયેલો છે. આ દરમિયાન કામથે કહ્યું, મારી અરજીમાં જણાવાયું છે કે BEL એન્જિનિયરોએ ડમી સિમ્બોલ અને ડેટા લોડ કર્યા હતા. મૂળ મશીન પરનો ડેટા ડિલિટ થઈ ગયો છે.