- અમિતશાહે એક ખાનગી સમિટમાં કરી મહત્વની વાત
- પીએમ મોદીના કર્યા વખાણ
- અમિતશાહે CAAને લઇને પણ કરી મહત્વની વાત
લોકસભાની ચૂંટણી જાહેર થાય તેની રાહ જોવાઇ રહી છે. રાજકીય પાર્ટીઓ દ્વારા સંમેલન, જાહેરસભા અને ખાનગી ચેનલો દ્વારા સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેવામાં એક ખાનગી ન્યૂઝના સમિટમાં પીએમ મોદીને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે મહત્વનું નિવેદન આપ્યું છે.
પીએમ મોદીને લઇને કરી આ વાત
કેન્દ્રીય ગૃહમંત્રીએ સમિટમાં કેન્દ્ર સરકારના 10 વર્ષના કાર્યો વિશે માહિતી આપી હતી. ત્યારે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટી ભવિષ્યવાણી કરતા જણાવ્યું કે અત્યારે દેશમાં લોકસભા ચૂંટણી 2024ની ચર્ચા સામાન્ય છે. આ દરમિયાન તેમણે કહ્યું કે મારું મૂલ્યાંકન કહે છે કે મોદીજી આગામી દસ વર્ષ સુધી રહેશે. તેમણે કહ્યું કે સત્તામાં જે સારુ પ્રદર્શન કરશે તેને જ મોકો મળશે. જો અમે સારુ પર્ફોમન્સ આપીશુ તો સત્તામાં રહીશું. અને જો પોતાની નબળાઇ પર કાબૂ નહી રાખીએ તો જીતી શકીશું નહી. સાથે જ કહ્યું કે જો તમે 10 વર્ષની વાત કરો છો તો હું કહી શકુ છું કે આગામી 10 વર્ષો માટે પીએમ નરેન્દ્ર મોદી જ હશે. અમિત શાહના આ નિવેદનથી એ પણ સ્પષ્ટ થાય છે કે ભાજપ આગામી ચૂંટણીમાં જ નહીં પરંતુ આગામી 10 વર્ષ સુધી પીએમ મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડવા માંગે છે.
પીએમ મોદીના કર્યા વખાણ
પીએમ મોદીના વખાણ કરતા અમિત શાહે કહ્યું કે મોદીજીએ 40 વર્ષથી દેશના કલ્યાણ માટે કામ કર્યું છે. પીએમ મોદી 23 વર્ષથી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે રજા લીધા વગર દેશની સેવા કરી રહ્યા છે.
CAAએ ક્યારે લાગુ થશે ?
ગૃહમંત્રી અમિત શાહે ખાનગી ન્યૂઝ ચેનલના સમિટમાં નાગરિકતા સંશોધન કાયદા વિશે વાત કરતા તેમણે કહ્યું કે CAA આ દેશનો કાયદો છે અને હું કહેવા માંગુ છું કે ચૂંટણી પહેલા તેનો અમલ કરવામાં આવશે અને તેને કોઈ રોકી શકશે નહીં.