કોંગ્રેસ સાંસદ પ્રિયંકાગાંધીની હાજરી ઉડીને આંખે વળગી રહી છે. કારણ કે તેઓ સદનમાં અવનવી બેગ લઇને પહોંચી રહ્યા છે. આ બેગને કારણે તેઓ ચર્ચામાં રહે છે કારણ કે તેઓ બેગ પર વિવિધ સાંપ્રત સમસ્યાને લગતા સ્લોગનો સાથે જોવા મળી રહ્યા છે. ત્યારે સોમવારે વધુ એકવાર પ્રિયંકા ગાંધી એક બેગ લઇને પહોંચ્યા હતા જેની પર લખ્યુ હતુ પેલેસ્ટાઇન. હવે આ બેગને લઇને પાકિસ્તાનના પૂર્વ મંત્રીનું એક નિવેદન સામે આવ્યું છે.


પાકિસ્તાનના પૂર્વમંત્રીએ કર્યા વખાણ !

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી સોમવારે પેલેસ્ટાઈન લખેલી બેગ લઈને સંસદ પહોંચ્યા હતા. પાકિસ્તાને તેના વખાણ કર્યા છે. પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ હસન ચૌધરીએ પ્રિયંકા ગાંધીની આ તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી છે. સાથે જ તેમણે લ્ખયું કે જવાહરલાલ નહેરુ જેવા મહાન સ્વતંત્રતા સેનાની પૌત્રીથી આપણે બીજી શું આશા રાખી શકીએ? આ શરમની વાત છે કે આજ સુધી પાકિસ્તાની સંસદ સભ્યઓ પણ આવી હિંમત દેખાડી નથી તેમ લખીને પ્રિયંકા ગાંધીના વખાણ કર્યા હતા.


સોમવારે બેગ લઇને પ્રિયંકા ગાંધી સંસદ પહોંચ્યા 

તમને જણાવી દઈએ કે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા સોમવારે પેલેસ્ટાઈનના લોકો પ્રત્યે સમર્થન અને એકતા દર્શાવતા "પેલેસ્ટાઈન" લખેલી હેન્ડબેગ લઈને સંસદ પહોંચ્યા હતા. કોંગ્રેસના મહાસચિવ અને વાયનાડની સાંસદ પ્રિયંકા ગાઝામાં ઈઝરાયેલની કાર્યવાહી સામે અવાજ ઉઠાવી રહી છે.

બેગને લઇને વિવાદ કેમ ? 

મહત્વનું છે કે પ્રિયંકા ગાંધી સોમવારે સંસદમાં જે બેગ લઈને ગયા હતા તેના પર "પેલેસ્ટાઈન" લખેલું હતું અને તરબૂચ જેવા પેલેસ્ટિનિયન પ્રતીકો પણ હતા, જે પેલેસ્ટિનિયન એકતાનું પ્રતીક માનવામાં આવે છે. તરબૂચ પેલેસ્ટિનિયન સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે. કાપેલા તરબૂચની તસવીર અને ઈમોજીનો ઉપયોગ ઘણીવાર પેલેસ્ટાઈનના લોકો સાથે એકતા દર્શાવવા માટે કરે છે.

મહત્વનું છે કે પ્રિયંકા ગાંધી પેલેસ્ટાઈન અને ગાઝાના પીડિતો માટે સતત અવાજ ઉઠાવી રહી છે. આ વર્ષે ઓક્ટોબરમાં હમાસ અને ઇઝરાયેલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને એક વર્ષ વીતી ગયા બાદ પણ પ્રિયંકા ગાંધીએ ઇઝરાયેલ પર નિશાન સાધ્યું હતું. ગાઝામાં વધી રહેલા મોત વચ્ચે પ્રિયંકાએ ઈઝરાયેલ પર પ્રહાર કર્યા હતા. દરેક આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતા પ્રિયંકાએ કહ્યું હતું કે 7,000 લોકોની હત્યા બાદ પણ હિંસાની પ્રક્રિયા અટકી નથી. તેમાંથી 3,000 માસૂમ બાળકો હતા. વાયનાડમાં ચૂંટણી લડતી વખતે પણ પ્રિયંકા ગાંધીએ પેલેસ્ટાઈનનો મુદ્દો સતત ઉઠાવ્યો હતો.

બીજેપીએ સાધ્યુ નિશાન

પ્રિયંકા ગાંધીની પેલેસ્ટાઈન બેગને લઇને ભાજપના નેતા અને સાંસદ સંબિત પાત્રાએ કહ્યું કે ગાંધી પરિવાર હંમેશા તુષ્ટિકરણની થેલી લઈને આવ્યો છે અને ચૂંટણીમાં તેમની હારનું કારણ તુષ્ટિકરણની થેલી છે. હાલમાં જ નવી દિલ્હીમાં પેલેસ્ટાઈન દૂતાવાસના પ્રભારી અબેદ અલરાજેગ અબૂ જાજરએ પ્રિયંકાગાંધી સાથે મુલાકાત કરી હતી અને તેમણે વાયનાડની ચૂંટણી જીત પર શુભકામના પાઠવી હતી. જૂનમાં પ્રિયંકા ગાંધીએ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ટીકા કરી હતી અને ગાઝામાં ઈઝરાયેલ સરકારની કાર્યવાહીને "નરસંહાર" ગણાવી હતી.

  • Follow us on: