- વિશ્વના નેતાઓને દિલ્હીમાં ભારતના સ્ટ્રીટ ફૂડની મજા માણવાની તક મળશે
- દિલ્હી આવનારા વિદેશી મહેમાનોને ભારતના અસલી સ્વાદનો અનુભવ કરાવાશે
- વિશ્વના નેતાઓનાં જીવનસાથીઓ માટે ભારત-યાત્રાને યાદગાર બનાવવા હસ્તશિલ્પ વારસા વિશે માહિતી અપાશે
દિલ્હીમાં નવમી અને દશમી સપ્ટેમ્બરે G20 સંમેલન યોજાવાનું છે. તેમાં ભાગ લેવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સહિત વિશ્વભરના નેતાઓ ભારત આવવાના છે, તેને ધ્યાનમાં રાખીને ખાસ તૈયારીઓ થઈ રહી છે. તૈયારીઓ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા મહેમાનોની ખાણી-પીણીનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે. કહેવાય છે કે દિલ્હી આવનારા મહેમાનોને ભારતના અસલી સ્વાદનો અનુભવ કરાવાશે. ચાલો જાણીએ, મહેમાનોની થાળીમાં કયા કયા ખાસ પકવાન હશે! G20 બેઠક માટે દિલ્હી આવનારા દુનિયાભરના નેતાઓને સ્ટ્રીટ ફૂડનો સ્વાદ ચખાડાશે. તેમાં દિલ્હીની મશહૂર ચાંદની ચોકની ચાટ પણ સામેલ હશે અને બાજરીથી બનેલાં વ્યંજન પણ હશે. બાજરી ખૂબ પૌષ્ટિક જાડું ધાન્ય છે અને તે પર્યાવરણને અનુકૂળ પણ મનાય છે.
ભારત-યાત્રાને યાદગાર બનાવવાની તૈયારી
G20 ઇન્ડિયાના વિશેષ સચિવ મુક્તેશ પરદેશીએ કહ્યું કે સ્વાદિષ્ટ પકવાનો ઉપરાંત વિશ્વના નેતાઓનાં જીવનસાથીઓ માટે ભારત-યાત્રાને યાદગાર બનાવવા માટે તેમને દેશના સમૃદ્ધ હસ્તશિલ્પ વારસા વિશે માહિતી આપવા અને નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં ખરીદીનો અનુભવ કરાવવાની યોજના પર પણ કામ કરવામાં આવી રહ્યું છે.
શેફ રાત-દિવસ તૈયારીમાં વ્યસ્ત થયા
મુક્તેશ પરદેશીએ કહ્યું કે ભારતનો અસલી સ્વાદ ચખાડવા માટે શેફ રાત-દિવસ તૈયારીમાં લાગી ગયા છે. તેમણે કહ્યું કે દિલ્હી, ખાસ કરીને ચાંદની ચોક, પોતાના સ્ટ્રીટ ફૂડ માટે ખૂબ જ પ્રસિદ્ધ છે, તેથી, વિશ્વના નેતાઓ જ્યારે અહીં આવશે ત્યારે ભારતના સ્ટ્રીટ ફૂડની મજા માણવાની તક મળશે. બીજી તરફ, જ્યાં જ્યાં વિશ્વના નેતાઓ અને પ્રતિનિધિઓ રોકાવાના છે તે બધી હોટેલોમાં બાજરીનાં નવાં નવાં વ્યંજનો રજૂ કરવાની હોડ લાગી છે.
ઉપહારો પર વિશેષ ધ્યાન
પરદેશીએ કહ્યું કે આવનારા નેતાઓ અને પ્રતિનિધિઓ માટે ઉપહારો (ભેટ-સોગાદ) પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમાંય દેશનાં હસ્તશિલ્પ, વસ્ત્રો અને ચિત્રકલા પરંપરાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માનવું છે કે ભેટ એવી આપવી જોઈએ જે ઉમંગ-હૂંફનો અનુભવ કરાવે છે. અમે વસ્તુઓની એક યાદી સોંપી છે. ભલે ને પેન્ટિંગ હોય કે હસ્તશિલ્પ અથવા ગાલીચો, તેની પસંદગી અતિથિઓને ધ્યાનમાં રાખીને સાવધાનીપૂર્વક કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમારું માનવું છે કે ભેટ એવી હોવી જોઈએ જેમાં આપણાં હસ્તશિલ્પ, પરંપરા અને સંસ્કૃતિની ઝલક જોવા મળતી હોય. તેમણે કહ્યું કે, શિખર સંમેલનમાં ભાગ લેવા માટે 10 હજાર કરતાં વધારે પ્રતિનિધિઓ દિલ્હી આવવાની સંભાવના છે.