હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે બળવાખોર ઉમેદવારો સામે કડક કાર્યવાહી કરી છે. ભાજપે પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ 8 નેતાઓને સસ્પેન્ડ કર્યા છે. પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાર્ટીના ઉમેદવારો સામે ચૂંટણી લડનારા 8 નેતાઓને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પૂર્વ મંત્રી રણજીત સિંહ ચૌટાલાને પાર્ટીમાંથી કરાયા સસ્પેન્ડ
ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આઠ નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં રણજીત સિંહ ચૌટાલાનો સમાવેશ થાય છે, જેઓ કાર્યકારી મુખ્યમંત્રી નાયબ સૈનીની સરકારમાં મંત્રી હતા. આ ઉપરાંત પાર્ટીએ પૂર્વ મંત્રી બચ્ચન સિંહ આર્ય અને ગન્નૌર વિધાનસભાથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા દેવેન્દ્ર કડિયાનને સસ્પેન્ડર કર્યા છે. અગાઉ કોંગ્રેસે પક્ષના ઉમેદવારો સામે બળવો કરીને ચૂંટણી લડી રહેલા 24 બળવાખોરોને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા.
ભાજપે 8 નેતાઓને પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ
હરિયાણા ભાજપ દ્વારા 8 બળવાખોરોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ત્રણ નેતાઓ ઉપરાંત અસંધથી જિલેરામ શર્મા, સફીદોંથી બચ્ચન સિંહ આર્ય, લાડવાથી સંદીપ ગર્ગ, ગુરુગ્રામથી નવીન ગોયલ, મહામથી રાધા અહલાવત અને હાથિનથી કેહર સિંહ રાવતનો સમાવેશ થાય છે. આ તમામ બળવાખોર નેતાઓને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભાજપે પ્રથમ યાદીમાં 67 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રથમ યાદીમાં 67 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી હતી, પરંતુ પાર્ટીએ રણજીત સિંહ ચૌટાલાને ટિકિટ આપી ન હતી. તેમની જગ્યાએ શીશપાલ કંબોજને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. આનાથી નારાજ રણજીત સિંહ ચૌટાલાએ રાણીયા વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.
અપક્ષ તરીકે ચૂંટણી લડવા સામે કાર્યવાહી
આવી રીતે મન્નત ગ્રુપ હોટેલ્સના ચેરમેન દેવેન્દ્ર કડિયાન ગન્નૌર વિધાનસભા બેઠક પરથી ટિકિટની માગણી કરી રહ્યા હતા. પરંતુ પાર્ટીએ દેવેન્દ્ર કૌશિકને આ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા. આનાથી નારાજ થઈને કડિયાન ગન્નૌર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર બન્યા છે.
બળવાખોર ઉમેદવારો સામે કડક કાર્યવાહી
મહમ મતવિસ્તારમાંથી ટિકિટ ન મળવાથી નારાજ રાધા અહલાવત અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહી છે. રાધા અહલાવતના પતિ શમશેર ખરકડા INLDમાંથી ભાજપમાં જોડાયા હતા, આ વખતે તેમણે તેમની પત્ની રાધા અહલાવત માટે ટિકિટની માંગણી કરી હતી. પરંતુ પાર્ટીએ ભારતીય કબડ્ડી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન દીપક હુડાને ઉમેદવાર બનાવ્યા છે. જેના કારણે તે નારાજ છે. આવી સ્થિતિમાં પાર્ટીએ ચૂંટણીના એક સપ્તાહ પહેલા બળવાખોર ઉમેદવારો સામે કડક કાર્યવાહી કરીને મજબૂત સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.













