હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ પાર્ટીમાં ઉત્સાહનો માહોલ છે. આ દરમિયાન ચૂંટણીમાં જીતેલા બે અપક્ષો ભાજપમાં જોડાયા છે. અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતેલા રાજેશ જૂન અને દેવેન્દ્ર કડિયાન ભાજપમાં જોડાયા છે. હરિયાણાના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન અને ભાજપના અન્ય નેતાઓ સાથેની બેઠક બાદ બન્ને ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા.


ગન્નૌર બેઠક પરથી દેવેન્દ્ર કડિયાનનો વિજય

સોનીપત જિલ્લાની ગન્નૌર બેઠક પરથી દેવેન્દ્ર કડિયાનનો વિજય થયો છે. તેમણે કોંગ્રેસના કુલદીપ શર્માને 35,209 વોટથી હરાવ્યા છે. આ સીટ પર ભાજપ ઉમેદવાર દેવેન્દ્ર કૌશિક ત્રીજા ક્રમે છે. ભાજપમાંથી ટિકિટ ન મળવાને કારણે દેવેન્દ્ર કડિયાને અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. કડિયાને આ ચૂંટણી ગન્નૌર બેઠક પરથી અપક્ષ તરીકે જીતી છે.

ગણૌર બેઠક પરથી ભાજપમાંથી ટિકિટ ન મળતા અપક્ષ તરીકે ચૂંટણી લડી

કડિયાને 10 સપ્ટેમ્બરે એક વીડિયો જાહેર કરીને ભાજપને અલવિદા કહી દીધું હતું. તેમણે ખૂબ જ ભાવનાત્મક રીતે દાવો કર્યો હતો કે તેમને ગણૌર બેઠક પરથી ટિકિટ જોઈએ છે, પરંતુ ભાજપે તેમને ટિકિટ આપી ન હતી. આનાથી નારાજ થઈને તેમણે પાર્ટી છોડી દીધી હતી. જ્યારે કોંગ્રેસ તરફથી ટિકિટ ન મળવાને કારણે રાજેશ જૂને બહાદુરગઢ બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. રાજેશ જૂને ભાજપના ઉમેદવાર દિનેશ કૌશિકને 41,999 મતોના માર્જિનથી હરાવ્યા હતા.

હરિયાણામાં ભાજપની હેટ્રિક

હરિયાણામાં ભાજપે હેટ્રિક નોંધાવી છે. આ એક રેકોર્ડ છે, કારણ કે હરિયાણામાં સતત ત્રીજી વખત કોઈ પાર્ટીએ ચૂંટણી જીતી નથી. એટલું જ નહીં, હરિયાણાના ઈતિહાસમાં ભાજપનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભાજપ આ પહેલા ક્યારેય આટલી સીટો જીતી શકી નથી.

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 48 બેઠકો, કોંગ્રેસને 37, INLD 2 અને અપક્ષ ઉમેદવારોએ 3 બેઠકો જીતી હતી. આ વખતે ભાજપે 48 બેઠકો જીત મેળવી છે, 2014 અને 2019 કરતા મોટી જીત હાંસલ કરી છે. ભાજપે 2014માં 47 અને 2019માં 40 બેઠકો જીતી હતી. પરિણામો પહેલા જ કોંગ્રેસની વાપસીની આશા રાખવામાં આવી રહી હતી. પરંતુ આ વખતે કોંગ્રેસ માત્ર 37 બેઠકો જીતી શકી હતી. INLDના ફાળે 2 બેઠકો ગઈ છે. આ સાથે જ ત્રણ અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે. 

  • Follow us on: