- હાથરસ સત્સંગ દુર્ઘટનાનો મામલો
- નાસભાગ થતા 121 લોકોના થયા મોત
- સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવી હતી આ મામલે અરજી
સુપ્રીમ કોર્ટે હાથરસ નાસભાગની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની નિષ્ણાત સમિતિની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. 2 જુલાઈના રોજ નાસભાગમાં 121 લોકોના મોત થયા હતા.
શું કહ્યુ સુપ્રિમ કોર્ટે ?
CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે કહ્યું કે આ એક હેરાન કરનારી ઘટના છે. હાઈકોર્ટ આવા મામલાઓનો સામનો કરવાની સત્તા ધરાવતી કોર્ટ છે. સુપ્રીમ કોર્ટે અરજદારને કહ્યું કે પોતાની અરજી લઇને હાઈકોર્ટનો સંપર્ક કરે.
માર્ગદર્શિકા બહાર પાડવા નિર્દેશ આપવાની માંગ
મહત્વનું છે કે અરજીમાં એડવોકેટ વિશાલ તિવારીએ ઉત્તર પ્રદેશ સરકારને ઘટના અંગે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા અને અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય લોકો સામે તેમની બેદરકારી બદલ કાનૂની કાર્યવાહી શરૂ કરવા માટે નિર્દેશની પણ માંગ કરી હતી. કોઈપણ ધાર્મિક કે અન્ય કાર્યક્રમોમાં જનતાની સલામતી માટે નાસભાગ કે અન્ય ઘટનાઓ અટકાવવા માટે રાજ્યોને માર્ગદર્શિકા બહાર પાડવા નિર્દેશ આપવાની માંગ પણ કરવામાં આવી હતી.
121 લોકોના મોત
ઉલ્લેખનીય છે કે સાકર વિશ્વહારી બાબા ઉર્ફે ભોલે બાબાનો સત્સંગ 2 જુલાઈ મંગળવારના રોજ હાથરસના સિકંદરરાઉના ફૂલરાઈ મુગલગઢી ગામમાં શરૂ થયો હતો. 80 હજાર લોકોની પરવાનગી છતાં 2.5 લાખથી વધુ લોકો સત્સંગમાં આવ્યા હતા. જેમાં ભાગદોડ થતા 121 લોકોના મોત થયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બાબાનો કાફલો પસાર થયો ત્યારે ભીડને રોકી દેવામાં આવી હતી. આ દરમિયાન ચરણ રજ લેવાની ઉતાવળમાં અનુયાયીઓ બેકાબૂ બની ગયા હતા. નાસભાગ દરમિયાન લોકો મરતા રહ્યા અને બાબાના સેવકો વાહનોમાં ભાગતા રહ્યા. કોઈએ રોકાઈને પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કર્યો નહિ.
6 લોકોની ધરપકડ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે મોરચો સંભાળ્યા બાદ યુપી પોલીસે તાબડતોબ કાર્યવાહી કરી હતી. પોલીસે 6 લોકોને ઝડપી લીધા હતા. જેમાં સત્સંગ આયોજક સમિતિ સાથે સંકળાયેલા ચાર પુરુષ અને બે મહિલાઓ સહિત છ આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં રામ લદૈતે યાદવ (મૈનપુરી), મંજુ યાદવ (હાથરસ), ઉપેન્દ્ર સિંહ યાદવ (ફિરોઝાબાદ), મંજુ દેવી યાદવ (હાથરસ), મેઘ સિંહ (હાથરસ) અને મુકેશ કુમાર (હાથરસ)નો સમાવેશ થાય છે. આ તમામ સેવાદાર છે.