• હજી સુધી તેમને કોઈ પણ લોન લીધી નથી
  • તેમની પાસે કોઈ પણ કાર પોતાના નામે નથી
  • કુલ સંપત્તિમાં 15 કિલોથી વધુ ચાંદીના ઘરેણાં-વાસણો

ચાર રાજ્યના વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. જેની સાથે જ રાજસ્થાનમાં ફરી એકવાર સત્તાનું પરિવર્તન થઈ રહ્યું છે. જેમાં છેલ્લા 30 વર્ષથી ભાજપ અને કોંગ્રેસ વારાફરતી સરકારો બનાવી રહ્યા છે. આ વખતે પણ નિયમ બદલાશે પણ રિવાજ નહીં. ભાજપ તરફથી મુખ્યમંત્રી પદની રેસમાં વસુંધરા રાજે સૌથી આગળ માનવામાં આવે છે. બે વખત રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂકેલા વસુંધરા રાજેની કુલ સંપત્તિ 5.5 કરોડ રૂપિયા છે.

આ લખાઈ રહ્યું છે ત્યારે ઝાલાવાડ જિલ્લાની ઝાલરાપાટન વિધાનસભા બેઠક પર 51 હજારથી વધુ મતોથી આગળ છે, તેવા વસુંધરા રાજેએ ચૂંટણી પંચમાં આપેલી એફિડેવિટમાં પોતાની સંપત્તિ 5 કરોડ 50 લાખ રૂપિયા જાહેર કરી છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં એટલે કે 2018માં તેમની કુલ સંપત્તિ 4 કરોડ 54 લાખ રૂપિયા હતી. ત્યારે તેની પાસે એક લાખ 29 હજાર રૂપિયા રોકડા હતા જે હવે બે લાખ પાંચ હજાર રૂપિયા છે.

જ્યારે તેમના બેંક ખાતાની વાત કરવામાં આવે તો તેમના નામે 11 લાખ 58 હજાર 555 રૂપિયા જમા છે. આ સિવાય તેની પાસે ત્રણ કિલોથી વધુ સોનું અને 15 કિલોથી વધુ ચાંદી છે. વસુંધરા રાજે પાસે 3,179 ગ્રામ સોનાના દાગીના છે. તેમની કિંમત લગભગ 1 કરોડ 92 લાખ 93 હજાર 351 રૂપિયા છે. તેમજ તેમની પાસે 15 કિલો ચાંદીના ઘરેણાં અને વાસણો પણ છે. તેની કુલ કિંમત લગભગ 11 લાખ 19 હજાર રૂપિયા છે.

તેમજ એફિડેવિટ મુજબ વસુંધરા રાજે પાસે કોઈ કાર નથી અને તેમની પાસે કોઈ લોન નથી. ગત ચૂંટણીમાં તેમના પર 5 લાખનું દેવું હતું. વસુંધરા રાજે ચાર વખત ઝાલરાપાટન વિધાનસભા સીટથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ ઉપરાંત તે પાંચ વખત ઝાલાવાડથી સાંસદ પણ રહી ચૂકી છે. વસુંધરા રાજે 2003માં પહેલીવાર રાજસ્થાનના સીએમ બન્યા હતા. આ પછી, તે 2013 માં ફરીથી મુખ્યમંત્રી બન્યા.


  • Follow us on: