આ વખતે પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો હતા. પ્રજાસત્તાક દિવસની ઉજવણી પછી સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના માનમાં રાત્રિભોજનનું આયોજન કર્યું હતું. આ સમય દરમિયાન ભારત સાથે પોતાના નવા સંબંઘો વિશે મજાકિયા અંદાજમાં રાષ્ટ્રપતિ સુબિયાન્ટોએ કહ્યું કે હાલમાં જ થયેલા ડીએનએ ટેસ્ટમાં ખબર પડી છે મારા પૂર્વજો ભારતીય છે.
'હું ભારતીય સંગીત સાંભળુ એટલે નાચી ઉઠુ'
તેમણે કહ્યું કે થોડા અઠવાડિયા પહેલા મેં મારો જેનેટિક સિક્વન્સિંગ ટેસ્ટ અને ડીએનએ ટેસ્ટ કરાવ્યો, જેમાં જાણવા મળ્યું કે મારો ડીએનએ ભારતીય છે.' બધા જાણે છે કે જ્યારે હું ભારતીય સંગીત સાંભળું છું, ત્યારે હું નાચવાનું શરૂ કરું છું. આ મારા ભારતીય જીનનો જ ભાગ હોવો જોઈએ. રાષ્ટ્રપતિ સુબિયાન્ટોનું આ નિવેદન સાંભળીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર સહિત મહેમાનો હસવા લાગ્યા હતા.
ઘણા ઇન્ડોનેશિયન નામો સંસ્કૃતમાં છે- સુબિયાન્તો
ઉલ્લેખનીય છે કે ભારતના 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે દિલ્હી આવેલા સુબિયાન્તોએ બંને દેશો વચ્ચેના કાયમી સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધો વિશે વાત કરી હતી. બંને દેશો વચ્ચેના સહિયારા વારસા પર ભાર મૂકતા તેમણે કહ્યું કે આપણી ભાષાનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ સંસ્કૃતમાંથી આવે છે. ઘણા ઇન્ડોનેશિયન નામો સંસ્કૃતમાં છે. આપણા રોજિંદા જીવનમાં, પ્રાચીન ભારતીય સભ્યતાનો પ્રભાવ ખૂબ જ મજબૂત છે.
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ પણ પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ભારત આવીને મને ખૂબ ગર્વ છે. હું કોઈ વ્યાવસાયિક રાજકારણી નથી, હું સારો રાજદ્વારી નથી, હું મારા દિલમાં જે હોય તે કહું છું. હું અહીં થોડા દિવસ માટે આવ્યો હતો, પરંતુ વડા પ્રધાન મોદીના નેતૃત્વ અને પ્રતિબદ્ધતાઓમાંથી ઘણું શીખ્યો.
સુબિયાન્તોએ પીએમ મોદીની પ્રશંસા કરી
ગરીબી નાબૂદી અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના ઉત્થાન માટે પ્રધાનમંત્રી મોદીના કાર્યની પ્રશંસા કરતા સુબિયાન્તોએ કહ્યું કે ગરીબી નાબૂદી અને સમાજના સૌથી નબળા વર્ગોને મદદ કરવા માટેની તેમની પ્રતિબદ્ધતા આપણા માટે પ્રેરણાદાયક છે. હું આવનારા વર્ષોમાં ભારતના લોકોને સમૃદ્ધિ, શાંતિ અને મહાનતાની શુભેચ્છા પાઠવું છું. મને આશા છે કે ઇન્ડોનેશિયા અને ભારત નજીકના ભાગીદારો અને મિત્રો રહેશે. અગાઉ, રાષ્ટ્રપતિ સુબિયાન્તોએ રાષ્ટ્રપતિ મુર્મુ અને વડા પ્રધાન મોદી સાથે કર્તવ્ય પથ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી, જ્યાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું.