"ટ્રાવેલ વિથ જો" નામથી યૂટ્યૂબ ચેનલ ચલાવતી જ્યોતિ મલ્હોત્રાને પોલીસે પાકિસ્તાનને ભારત દેશની ગુપ્ત માહિતી આપવા માટેના આરોપસર ધરપકડ કરી છે. જ્યોતિ પર આરોપ છે કે તેણે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ સુધી ભારતની તમામ સૈન્ય માહિતીઓ લીક કરી છે. જ્યોતિના આ કૃત્યથી લોકોના મનમાં ફરી એકવાર તે જાસૂસનું નામ જીવંત થઈ ગયું છે જેણે પાકિસ્તાની ધરતીથી ભારત સાથે દગો કર્યો હતો અને ISI માટે ઘણા ભારતીયોના જીવનું કારણ બન્યો હતો.


માધુરી ગુપ્તાએ ISIને આપી હતી ગુપ્ત માહિતી

માધુરી ગુપ્તા એક પાકિસ્તાની જાસૂસ હતી. તે કોઇ સોશિયલ મીડિયા સ્ટાર ન હતી. તે એક અનુભવી રાજનાયિક હતી. જે ઇસ્લામાબાદમાં ભારતીય ઉચ્ચાયોગમાં પ્રેસ અને સૂચના વિભાગની સચિવ હતી. તેમની કહાની જ્યોતિ કરતા અલગ છે. આ વર્ષ 2010ની વાત છે. જ્યારે દિલ્હી પોલીસની વિશેષ શાખાએ માધુરીને ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. માધુરીએ દેશ સાથે ગદ્દારી કરીને પાકિસ્તાનને ભારતની તમામ ગુપ્ત માહિતીઓ લીક કરી હતી.

જમશેદના પ્રેમમાં પડ્યા પછી માધુરીએ કરી જાસૂસી

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની વિદ્યાર્થિની માધુરી ગુપ્તાએ યૂપીએસસીની પરીક્ષામાં સફળતા મેળવી હતી. અને આઇએફએસ તરીકે કારકિર્દી બનાવવાનું નક્કી કર્યુ હતુ. ઇરાક, લાઇબેરિયા, મલેશિયા અને ક્રોએશિયા જેવા દેશોમાં માધુરી ગુપ્તાએ મહત્ત્વના પદ પર કામ કર્યુ છે. ઉર્દૂ ભાષા પરના તેમના મજબૂત પ્રભુત્વને કારણે માધુરીને વર્ષ 2007માં ઇસ્લામાબાદમાં ભારતીય હાઇ કમિશનમાં સેકન્ડ સેક્રેટરી તરીકે પોસ્ટ કરવામાં આવી હતી. તેમનું કામ પાકિસ્તાની મીડિયાને સ્કેન કરી ભારત માટે મહત્ત્વની રિપોર્ટ તૈયાર કરવાનું હતુ. એક પાર્ટી દરમિયાન માધુરીની મુલાકાત મહિલા પત્રકારે જમશેદ નામના શખ્સ સાથે કરાવી. જમશેદને "જીમ" નામે ઓળખવામાં આવતુ હતુ. જમશેદને માહિતી મળી હતી કે માધુરી જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહર દ્વારા લખાયેલ પુસ્તક શોધી રહી છે. બસ તક મળતા જ જમશેદે માધુરી સાથે સંબંધો વિકસાવવાનું શરુ કર્યુ હતુ. 30 વર્ષના જમશેદે 53 વર્ષની માધુરીને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી.

માધુરીને 2018માં કોર્ટે દોષિત ઠેરવી

જમશેદે માધુરીને ભારત સરકાર વિશે ઉશ્કેરવાનું શરુ કર્યુ હતુ. જે બાદ માધુરીએ તમામ ગુપ્ત માહિતી જમશેદને આપી હતી. અને દેશ સાથે ગદ્દારી કરવાનું શરુ કર્યુ હતુ. આ કેસમાં જમશેદના સાથી મુદસ્સર રઝા રાણાની એન્ટ્રી થઇ હતી. માધુરીએ ભારતીય સેના અને RAWને સંડોવતા ઓપરેશન્સ સંબંધિત ગુપ્ત માહિતી શેર કરવાનું શરૂ કર્યું હતું. માર્ચ 2010માં જમશેદ અને મુદસ્સરના કહેવાથી માધુરીએ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી હતી. ત્યાંથી તેમણે રાજ્યનો વાર્ષિક આયોજન અહેવાલ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તપાસ દરમિયાન, માધુરીએ સ્વીકાર્યું કે શરૂઆતમાં તેણે બદલાની ભાવનાથી માહિતી આપી હતી. પરંતુ પછીથી ડર અને બ્લેકમેલને કારણે તેણે જાસૂસી કરવાનું ચાલુ રાખ્યું. તપાસમાં જાણવા મળ્યું કે માધુરી ઇસ્લામાબાદમાં તેના ઘરના કમ્પ્યુટર અને બ્લેકબેરી ફોન દ્વારા જમશેદ અને રાણાના સંપર્કમાં હતી. તપાસ દરમિયાન, તેના ઇમેઇલ એકાઉન્ટ્સ [email protected] અને [email protected] માંથી લગભગ છ ડઝન ઇમેઇલ્સ મળી આવ્યા હતા. વર્ષ 2018માં દિલ્હીની એક કોર્ટે માધુરીને ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટની કલમ 3 અને 5 હેઠળ દોષિત ઠેરવી હતી. 

  • Follow us on: