દેશના અનેક રાજ્યોમાં મૂશળધાર વરસાદ વચ્ચે બિહાર પર ફરી એકવાર પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. ગંગા નદીનું જળસ્તર વધવા લાગ્યું છે. જેના કારણે બિહારના ઘણા શહેરોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં ગંગા નદીનું જળસ્તર 15 સેન્ટિમીટર પ્રતિ કલાકની ઝડપે વધી રહ્યું છે. તેની અસર બક્સર, સિમરી, ચિક્કી અને બ્રહ્મપુરમાં જોવા મળી છે, જ્યાં ગંગા નદીનું પાણી વધી રહ્યું છે.
5 શહેરોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
ગત રાતથી ગંગા નદીના જળસ્તરમાં 40 સેમીથી વધુનો વધારો થયો છે. બિહાર સરકારે 5 જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ યાદીમાં અરવાલ, રોહતાસ, ઔરંગાબાદ, જહાનાબાદ અને પટનાના નામ સામેલ છે. ગંગામાં પાણીનું સ્તર વધવા પાછળ ભારે વરસાદને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. ઈન્દ્રપુરી બેરેજમાંથી પણ 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે આ વિસ્તારોમાં પૂરનું જોખમ વધુ વધી ગયું છે.
IMDએ ચેતવણી જાહેર કરી છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પટના સહિત બિહારના 14 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. રવિવાર રાતથી ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડી રહ્યો છે. IMDએ વરસાદને લઈને 14 જિલ્લામાં યલો એલર્ટ અને 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બિહારમાં આગામી 2-3 દિવસ સુધી આવી સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે.
આ નદીઓના જળસ્તરમાં વધારો થયો
IMDએ ઘણા લોકોને સાવધાન રહેવાની ચેતવણી આપી છે. ગંગા ઉપરાંત ગંડક, પુનપુન અને સોન નદીઓનું જળસ્તર પણ ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં પટના, રોહતાસ, જહાનાબાદ, નાલંદા, મુંગેર અને ભાગલપુર પૂરથી પ્રભાવિત થઈ શકે છે.