- 15મી ઑગષ્ટને લઇને લાલ કિલ્લા ખાતે તૈયારીઓ તેજ
- પીએમ મોદી તોડશે મનમોહન સિંહનો રેકોર્ડ
- આ પ્રસંગે 18 હજાર જેટલા મહેમાનો રહેશે હાજર
15મી ઑગષ્ટને લઇને દિલ્હીમાં તૈયારીઓ તડામાર ચાલી રહી છે. લાલ કિલ્લા સહિત સમગ્ર દિલ્હીમાં ખૂણે ખૂણે સિક્યોરિટી તૈનાત કરવામાં આવી છે. સુરક્ષામાં સ્હેજ પણ ચૂક ન રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. આ વખતે લાલ કિલ્લા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે . જેને લઇને ફૂલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. 18 હજારથી વધારે મહેમાન હાજર રહેશે. યુવાઓ, ખેડૂતો અને ગરીબ વર્ગના 4 હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓ પણ હાજર રહેવાના છે. ત્યારે આવો જાણીએ પીએમ મોદી લાલ કિલ્લા ખાતે કેટલામી વખત ધ્વજ ફરકાવશે. તથા સતત 10 વર્ષ સુધી ધ્વજ ફરકાવવાનો રેકોર્ડ કોના નામે છે.
રેકોર્ડ કયા વડાપ્રધાનના નામે નોંધાયેલ છે?
લાલ કિલ્લા પરથી સૌથી વધુ વખત ધ્વજ ફરકાવવાનો રેકોર્ડ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નેહરુના નામે છે. તેમણે લાલ કિલ્લા પરથી સતત 17 વખત ધ્વજ ફરકાવ્યો. તેઓ 1947 થી 1963 સુધી દેશના વડાપ્રધાન હતા. આ પછી પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું નામ આવે છે. ઈન્દિરા ગાંધી 1966 થી 1976 અને 1980 થી 1984 સુધી દેશના વડાપ્રધાન હતા. આ દરમિયાન તેમણે 16 વખત લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવ્યો હતો. જ્યારે પૂર્વ પીએમ મનમોહન સિંહે 2004 થી 2013 સુધી સતત 10 વખત ધ્વજ ફરકાવ્યો હતો. ત્યારે આ વખતે પીએમ મોદી 11 મી વખત ધ્વજ લહેરાવા જઇ રહ્યા છે. તેઓ આ વખતે મનમોહન સિંહનો રેકોર્ડ તોડશે.
આ વખતે સુરક્ષા વ્યવસ્થા કેવી છે?
- દિલ્હી પોલીસે સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે 3 હજારથી વધુ ટ્રાફિક પોલીસ, 10 હજારથી વધુ પોલીસકર્મીઓ અને 700 AI-આધારિત ચહેરાની ઓળખ કેમેરા તૈનાત કર્યા છે.
- ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, કોમર્શિયલ મોલ અને બજારો સહિત વિવિધ સંવેદનશીલ સ્થળોએ વધારાના પોલીસ કર્મચારીઓ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે.
- લાલ કિલ્લામાં અનેક સ્તરની સુરક્ષા રહેશે. સ્વતંત્રતા દિવસ પર AI-આધારિત ચહેરાની ઓળખ સાથે 700 CCTV કેમેરા ખરીદ્યા છે.
- આ કેમેરામાં 'હાઈ-રિઝોલ્યુશન પેન-ટિલ્ટ-ઝૂમ ફીચર્સ' હશે, જેના દ્વારા પોલીસ કોઈને દૂરથી ઓળખી શકશે. આ કેમેરા કિલ્લામાં અને તેની આસપાસ લગાવવામાં આવશે.
- AI-આધારિત ચહેરાની ઓળખ અને વિડિયો પૃથ્થકરણ માટે સક્ષમ, આ કેમેરા ફૂલપ્રૂફ સુરક્ષા સુનિશ્ચિત કરશે.
- લાલ કિલ્લા પરના કાર્યક્રમમાં હાજરી આપવા આવનાર લોકોની ઓળખ ચકાસવા માટે પોલીસ સ્માર્ટફોન આધારિત એપ્લિકેશનનો પણ ઉપયોગ કરશે.
- આ ઉપરાંત વડાપ્રધાન અને અન્ય VIPની સુરક્ષા માટે મહત્વના સ્થળો પર સ્નાઈપર્સ, વિશેષ સ્વાટ કમાન્ડો, પતંગ શિકારીઓ અને 'શાર્પશૂટર્સ' તૈનાત કરવામાં આવશે.