- શાળામાં હવે ગુડ મોર્નિંગ નહી કહેવાનું
- ગુડ મોર્નિંગને બદલે જયહિંદ કહેવાનું
- બાળકોમાં રાષ્ટ્રીય ભાવના કેળવાય તે માટે લીધો નિર્ણય
આગામી 15 ઑગષ્ટ 2024ના રોજ 78મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. જેને લઇને સમગ્ર દેશમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી ચે. તેવામાં હરિયાણા સરકાર દ્વારા સ્વતંત્રતા પર્વને લઇને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
હરિયાણાની નાયબ સિંહ સૈનીની સરકારે હવે રાજ્યોની શાળામાં સવારે ગુડ મોર્નિંગને બદલ જયહિંદ બોલવાનું રહેશે. આ નિર્ણય 15 ઑગષ્ટથી લાગુ કરવામાં આવશે. ત્યારે આવો જાણીએ આ નિર્ણય લેવાનું શું છે કારણ
કેમ લેવાયો નિર્ણય?
હરિયાણા સરકાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે આ સ્વતંત્રતા દિવસથી તમામ શાળાઓમાં ગુડ મોર્નિંગની જગ્યાએ જય હિંદનો ઉપયોગ કરવામાં આવશે. જેનો હેતુ વિદ્યાર્થીઓમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવની ઊંડી ભાવના જગાડવાનો છે. આ આદેશ તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, જિલ્લા બ્લોક શિક્ષણ અધિકારીઓ, બ્લોક પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, આચાર્યો અને મુખ્ય શિક્ષકોને મોકલવામાં આવ્યો છે.
સુભાષ ચંદ્ર બોઝે જય હિંદનો નારા આપ્યો હતો
હરિયાણા સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે જય હિંદનો નારો નેતાજી સુભાષ ચંદ્ર બોઝે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આપ્યો હતો. ભારતના સશસ્ત્ર દળોએ પણ જય હિંદને સલામી તરીકે સ્વીકાર્યો છે. સરકારે કહ્યું છે કે હવે શાળાઓમાં ગુડ મોર્નિંગને બદલે જય હિંદનો ઉપયોગ કરવામાં આવશે. આનાથી વિદ્યાર્થીઓ દરરોજ રાષ્ટ્રીય એકતાની ભાવના સાથે પ્રેરિત થશે. આ સાથે દેશના સમૃદ્ધ ઈતિહાસ પ્રત્યે આદર પણ વ્યક્ત કરી શકાય છે.