ભારત પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે. પાકિસ્તાને ભારતના વિવિધ સ્થાનો પર 70 હુમલાઓ કર્યા હતા. શુક્રવારે સવારે જેસલમેરના એક રહેણાંક વિસ્તારમાં એક જીવતો બોમ્બ મળી આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલા સેનાના જવાનોએ કેટલાક વિસ્તારોને સીલ કરી દીધા હતા. સરહદી જિલ્લાઓમાં એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.  સરહદી વિસ્તારોમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ તમામ હોસ્પિટલો પણ એલર્ટ મોડ પર છે.


જેસલમેરમાં બ્લેક આઉટનો નિર્દેશ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને લઈને રાજસ્થાનમાં સંવેદનશીલ વિસ્તારોને એલર્ટ કરાયા છે. દરમિયાન જેસલમેરમાં આજ સાંજથી સંપૂર્ણ અંધારપટ લાગુ કરવાનાો નિર્દેશ આપવામાં આવ્યો છે. રાજસ્થાન પ્રશાસન દ્વારા બિકાનેર, જેસલમેર અને શ્રીગંગાનગરમાં નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રે જેસલમેરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાગુ કર્યો. બધા ઘરો અને સંસ્થાઓની બધી લાઇટ બંધ રાખવી ફરજિયાત રહેશે. આજે સાંજે 5 વાગ્યા પછી બજારો સંપૂર્ણપણે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન, કોઈપણ વાહનની અવરજવર પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. આખી રાત ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો પર પ્રતિબંધ રહેશે. સંરક્ષણ ક્ષેત્રના 5 કિમી ત્રિજ્યામાં સંપૂર્ણ નો એન્ટ્રી છે. જો આ વિસ્તારમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ જોવા મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

હોસ્પિટલમાં તબીબો સજ્જ, રેલ સેવાને અસર

રાજ્યની હોસ્પિટલમાં મેડિકલ વિભાગ દ્વારા 84 ડોક્ટરોને રાત્રે સરહદી હોસ્પિટલોમાં ફરજ બજાવવાના આદેશ આપવામાં આવ્યા છે. યુદ્ધની પરિસ્થિતિના આધારે ડોકટરોની સંખ્યા વધારી શકાય છે. રાત્રિ દરમિયાન, પાકિસ્તાને સરહદી વિસ્તારોમાં મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા. જેના વિસ્ફોટોનો અવાજ આખી રાત ગુંજતો રહ્યો. 'બ્લેકઆઉટ'ને કારણે રાજસ્થાનના સરહદી જિલ્લાઓમાં અનેક રેલ સેવાઓ પર અસર થશે. રેલ્વેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે "બ્લેકઆઉટ" અને કટોકટીની પરિસ્થિતિઓને કારણે અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે તો કેટલીક ટ્રેનો તેના નિર્ધારિત સમય કરતાં મોડી ચાલી રહી છે. ઉત્તર પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શશી કિરણના જણાવ્યા અનુસાર, ઉત્તર પશ્ચિમ રેલ્વેમાં ભગત કી કોઠી-બાડમેર, બાડમેર-ભગત કી કોઠી, મુનાબાઓ-બાડમેર અને બાડમેર-મુનાબાઓ રેલ સેવાઓ 9 મેના રોજ રદ રહેશે.

  • Follow us on: