ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, શુક્રવારે દિલ્હીના ITO ખાતે PWD ભવનની છત પર હવાઈ હુમલાના સાયરનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાયરન પરીક્ષણ બપોરે 3 વાગ્યે શરૂ થયું અને લગભગ 15-20 મિનિટ સુધી ચાલ્યુ હતું. સાયરન પરીક્ષણનો ઉદ્દેશ્ય રાજધાનીમાં કોઈપણ મુશ્કેલી માટે તૈયારી ચકાસવાનો છે.
22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. ત્યારથી, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધુ વધ્યો છે, જેમાં ડ્રોન અને મિસાઇલ હુમલા જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે.
દિલ્હીના પીડબ્લ્યુડી મંત્રી પ્રવેશ વર્માએ જણાવ્યું કે રાજધાનીની દરેક ઊંચી ઇમારતો પર આવા સાયરન લગાવવામાં આવશે. અને દિલ્હીમાં સાયરન લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. તેની રેન્જ 8 કિલોમીટર સુધીની છે. આજે રાત્રે ઊંચી ઇમારતો પર 40-50 વધુ સાયરન લગાવવામાં આવશે. કોઈપણ કટોકટી સ્થિતિમાં, આ એક જ કમાન્ડ સેન્ટરથી ચલાવી શકાય છે.
ગુરુવારે રાત્રે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન અને મિસાઈલ હુમલા બાદ દિલ્હીમાં સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવી છે. સરકારી કચેરીઓ, પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ, કોર્ટ, વિદેશી દૂતાવાસો અને રેલ્વે સ્ટેશન, મેટ્રો સ્ટેશન, મોલ અને બજારો જેવા ટ્રાફિક વિસ્તારો પર ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે.
એક રિપોર્ટ અનુસાર તમામ મહત્વપૂર્ણ સ્થળોની સુરક્ષા માટે અર્ધલશ્કરી દળો સહિત વધારાના સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે તેના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી દીધી છે અને રાત્રિ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. સૂત્રોના અનુસાર, તમામ ઝોનના સ્પેશિયલ કમિશનરો તેમના ડેપ્યુટી કમિશનરો સાથે બેઠકો યોજીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા છે. દિલ્હી પોલીસ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.