ભારત સરકારે પાકિસ્તાન સાથેની દક્ષિણ સરહદ નજીક 7 અને 8 મેના રોજ મોટાપાયે હવાઈ સૈન્ય કવાયત માટે NOTAM જાહેર કર્યુ છે. જોકે આ કવાયત વિશેની વિગતવાર માહિતી અત્યાર સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ NOTAM દ્વારા સ્પષ્ટ સંકેતો છે કે આ સમયગાળા દરમિયાન સંબંધિત વિસ્તારના હવાઈ ક્ષેત્રમાં પ્રતિબંધ રહેશે. આ ભારતીય વાયુસેના દ્વારા એક વિશાળ લશ્કરી કવાયતની તૈયારીઓ બતાવે છે.


પહેલગામ હુમલામાં 26 લોકોએ ગુમાવ્યા જીવ

સામાન્ય રીતે જ્યારે વાયુસેના કોઈ ચોક્કસ હવાઈ ક્ષેત્રમાં કવાયત કરી રહી હોય અને હવામાન ખરાબ હોય અથવા કોઈ અવરોધ હોય ત્યારે NOTAM જાહેર કરવામાં આવે છે. આ વખતનો NOTAM એક મોટાપાયે કવાયતનું પ્રતિનિધિત્વ કરે છે, જે પાકિસ્તાન સાથેના વર્તમાન રાજદ્વારી તણાવની ગંભીરતા પણ બતાવે છે. તમને જણાવી દઈએ કે આ સ્ટેપ એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે. તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેના કારણે દેશભરમાં ગુસ્સો અને ચિંતાનો માહોલ છે.


ગયા મહિને વાયુસેના અને નૌકાદળે કર્યુ ઓપરેશન 'આક્રમણ'

આ પહેલા 25 એપ્રિલના રોજ, ભારતીય વાયુસેના અને નૌકાદળે સંયુક્ત લશ્કરી કવાયત 'આક્રમણ' હેઠળ તેમની આક્રમક ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું. આ કવાયતમાં રાફેલ અને સુખોઈ-30MKI જેવા મોટાભાગના આધુનિક લડાકુ વિમાનોએ ભાગ લીધો હતો. દેશના વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં ખાસ કરીને પર્વતીય પ્રદેશોમાં ઉચ્ચ તીવ્રતાવાળા ભૂમિ હુમલાના અભ્યાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ સમગ્ર કવાયત વાયુસેનાના વરિષ્ઠ નેતૃત્વની દેખરેખ હેઠળ થઈ હતી. પાઈલટ્સે લાંબા અંતરના ઉડ્ડયન મિશન અને ચોકસાઈ શૂટિંગનું પણ પ્રદર્શન કર્યું જે સામાન્ય રીતે 'ડીપ સ્ટ્રાઈક મિશન'માં જોવા મળે છે. આ કવાયત ભારતની લશ્કરી તૈયારીઓનો સ્પષ્ટ સંકેત આપે છે.

33 રાજ્યમાં નાગરિક સંરક્ષણ ક્વાયત હાથ ધરાશે

સરકાર હવે દેશભરમાં નાગરિક સંરક્ષણ કવાયતો હાથ ધરવાનું પણ આયોજન કરી રહી છે, જે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી પહેલી વાર હશે. આ કવાયત 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 259 સ્થળોએ હાથ ધરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને સંભવિત યુદ્ધ અથવા ઈમરજન્સીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર કરવાનો છે. આ કવાયતમાં સામાન્ય જનતાને બોમ્બ વિસ્ફોટ, ગેસ હુમલા, સાયબર હુમલા અને અન્ય આકસ્મિક પરિસ્થિતિઓથી સુરક્ષિત રહેવા માટે તકનીકી માહિતી અને પ્રેક્ટિસ પૂરી પાડવામાં આવશે.

  • Follow us on: