ભારત સતત પોતાના લશ્કરી દળોમાં વધારો કરી રહ્યું છે. ભારતીય સેનાએ સ્વદેશી ટેકનોલોજીથી બનેલી ત્રીજી પેઢીની એન્ટિ-ટેન્ક ફાયર-એન્ડ-ફોર્ગેટ ગાઈડેડ મિસાઈલ (ATGM) 'નાગ એમકે 2'નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે કરવામાં આવ્યું હતું.
નાગ મિસાઈલ કેરિયર વર્ઝન-2નું પણ ફિલ્ડ ટેસ્ટ કરવામાં આવ્યું
અહેવાલ મુજબ 3 ફિલ્ડ ટ્રાયલ દરમિયાન, મિસાઈલ સિસ્ટમે મહત્તમ અને લઘુત્તમ રેન્જ પરના તમામ લક્ષ્યોને સચોટ રીતે નષ્ટ કર્યા, જેનાથી તેની ફાયરિંગ રેન્જની શક્તિનું પરીક્ષણ થયું. નાગ મિસાઈલ કેરિયર વર્ઝન-2નું પણ ફિલ્ડ ટેસ્ટ કરવામાં આવ્યું. આ સાથે સમગ્ર શસ્ત્ર પ્રણાલી હવે ભારતીય સેનામાં સામેલ થવા માટે તૈયાર છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નાગ એમકે 2ના સંપૂર્ણ શસ્ત્ર પ્રણાલીના સફળ ક્ષેત્ર પરીક્ષણો માટે ડીઆરડીઓ, ભારતીય સેના અને ઉદ્યોગને અભિનંદન પણ આપ્યા. રાજનાથ સિંહે સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ અને DRDOના અધ્યક્ષ ડૉ. સમીર વી. કામત સાથે મળીને ભારતીય સેનામાં મિસાઈલને સામેલ કરવા માટે તૈયાર કરવામાં તમામ હિતધારકોના પ્રયત્નોની પ્રશંસા કરી.
તમામ પરીક્ષણો સફળ સાબિત થયા
દર વખતે જ્યારે આ મિસાઈલમાં કંઈક નવું ઉમેરવામાં આવે છે, ત્યારે તેનું પરીક્ષણ કરવામાં આવે છે. આ પહેલા, 2017, 2018, 2019, 2020 અને 2023 અને 2024માં વિવિધ પ્રકારની નાગ મિસાઈલોનું પરીક્ષણ કરવામાં આવ્યું અને લગભગ આત મામ પરીક્ષણો સફળ રહ્યા છે.
નાગ એમકે-2ની શું છે વિશેષતાઓ?
નાગ એમકે-2એ ભારતીય સેના માટે એક અદ્યતન એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ સિસ્ટમ છે. આ એક હળવી મિસાઈલ છે જે કોઈપણ હવામાનમાં કામ કરવા સક્ષમ છે. તેનું વજન લગભગ 45 કિલો છે અને તે 6 ફૂટ 1 ઈંચ ઉંચી છે. આ મિસાઈલ 230 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પોતાના લક્ષ્ય પર પ્રહાર કરે છે, તેના હુમલાથી બચવું અત્યંત મુશ્કેલ છે. નાગ મિસાઈલ DRDO દ્વારા ઈન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) હેઠળ વિકસાવવામાં આવી છે.