ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) ને એક દુ:ખદ અકસ્માતનો સામનો કરવો પડ્યો જ્યારે એક એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) MK-III, ફ્રેમ નંબર CG 863, મેડિકલ ઇવેક્યુએશન મિશન દરમિયાન સમુદ્રમાં ક્રેશ થયું. આ અકસ્માત 2 સપ્ટેમ્બરની રાત્રે થયો હતો, જ્યારે હેલિકોપ્ટર 11:15 વાગ્યે મોટર ટેન્કર 'હરિ લીલા'માંથી ગંભીર રીતે ઘાયલ ક્રૂ મેમ્બરને એરલિફ્ટ કરવા માટે રવાના થયું હતું.
શોધખોળ અને બચાવ કામગીરી તેજ
અકસ્માત બાદ ભારતીય કોસ્ટ ગાર્ડે ભારતીય નૌકાદળ અને અન્ય મેરીટાઇમ એજન્સીઓની મદદથી મોટાપાયે શોધખોળ અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ સર્ચ ઓપરેશનમાં બે એરક્રાફ્ટ અને ચાર જહાજ તૈનાત કરવામાં આવ્યા છે. વધુમાં, સાઇડ-સ્કેન સોનાર ટેક્નોલોજીથી સજ્જ જહાજ પણ ટૂંક સમયમાં મિશનમાં જોડાય તેવી અપેક્ષા છે. આ ટેક્નોલોજી સમુદ્રતળની તસવીરો લઈને ડૂબી ગયેલી વસ્તુઓને શોધવામાં મદદ કરે છે. જ્યારે
હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યારે તેમાં બે પાઇલટ અને બે એરક્રુ ડાઇવર્સ હતા. સર્ચ ઓપરેશન દરમિયાન એક સભ્યને જીવતો બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ કમનસીબે અન્ય બે સભ્યોના મોત થયા છે. મૃતકોની ઓળખ કમાન્ડન્ટ (જુનિયર ગ્રેડ) વિપિન બાબુ અને મુખ્ય નાવિક કરણ સિંહ તરીકે થઈ છે. સમુદ્રમાંથી તેમના અવશેષો મળી આવ્યા છે અને તેમને લશ્કરી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે.
એક પાયલોટ હજુ પણ ગુમ
દુર્ઘટના સમયે હેલિકોપ્ટરનો પાયલોટ, કમાન્ડન્ટ રાકેશ કુમાર રાણા (TM), હજુ પણ ગુમ છે, અને તેને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કોસ્ટ ગાર્ડે ગુજરાત ફિશરીઝ વિભાગ અને સ્થાનિક માછીમારો પાસેથી પણ શોધમાં મદદ માંગી છે. અકસ્માતના કારણોની તપાસ માટે બોર્ડની રચના કરવામાં આવી છે. ભારતીય કોસ્ટ ગાર્ડ સહિતની ટીમ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.