મણિપુર સરકારે સોમવારે ઘાટીના જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવાઓ પરના કામચલાઉ સસ્પેન્શનને તાત્કાલિક અસરથી હટાવવાનો નિર્ણય લીધો છે. મણિપુરના કમિશનર એન અશોક કુમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કર્યા પછી ઇન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. 10 સપ્ટેમ્બરના રોજ લોકોની ભલાઈ અને તણાવને ફેલાવાથી રોકવા માટે ઇન્ટરનેટનું કામચલાઉ સસ્પેન્શન જારી કરવામાં આવ્યું હતું.


મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યા બાદ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી

મણિપુર સરકારે 13 સપ્ટેમ્બરે જ કેટલીક શરતો સાથે બ્રોડબેન્ડ સેવાઓ પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. તાજેતરમાં મણિપુરમાં હિંસાની ઘટનાઓમાં વધારો થવાના વિરોધમાં વિદ્યાર્થીઓ અને મહિલાઓએ DGP અને સુરક્ષા સલાહકારને હટાવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. વિરોધ હિંસક બનતા પોલીસ અને દેખાવકારો વચ્ચેની અથડામણમાં 80થી વધુ લોકો ઘાયલ થયા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મણિપુર સરકારે 10 સપ્ટેમ્બરના રોજ બપોરે 3 વાગ્યાથી ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, બિષ્ણુપુર, થૌબલ અને કાકચિંગ જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો.

જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારે અપીલ કરી

ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં તમામ ઈન્ટરનેટ યુઝર્સને એવી પ્રવૃત્તિઓ ટાળવા વિનંતી કરવામાં આવી છે. જેનાથી ભવિષ્યમાં ઈન્ટરનેટ સેવાઓ ફરીથી બંધ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આના એક દિવસ પહેલા મુખ્યમંત્રી એન. બિરેન સિંહે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, 'રાજ્યમાં ઈન્ટરનેટ પ્રતિબંધ હટાવી લેવામાં આવશે અને સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે. હું દરેકને ઈન્ટરનેટનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા અને કોઈપણ બિનજરૂરી અથવા ભડકાઉ સામગ્રીને શેર અથવા પોસ્ટ કરવાનું ટાળવા વિનંતી કરું છું, જે રાજ્યમાં શાંતિ અને સંવાદિતાને ખલેલ પહોંચાડી શકે.


  • Follow us on: