અમેરિકાના પ્રવાસે ગયેલા રાહુલગાંધીએ અનામત હટાવવાના નિવેદનને લઇને હજી પણ રાજકારણ ગરમાયુ છે. આ નિવેદનને લઇને વિવિધ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. ત્યારે મહારાષ્ટ્રમાં શિંદે જૂથ શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે રાહુલગાંધી પર વિવાદિત નિવેદન આપ્યું છે.
11 લાખ રૂપિયા આપીશ
સંજય ગાયકવાડે કહ્યું કે રાહુલગાંધી પછાત લોકો અને આદિવાસીઓ માટે અનામત ખતમ કરવાની વાત કરી રહ્યા છે. રાહુલે જે ભાષા બોલી છે કે તેઓ અનામત ખતમ કરી દેશે. હું કહું છું કે જે કોઈ રાહુલની જીભ કાપશે તેને હું 11 લાખ રૂપિયા આપીશ. રાહુલ ગાંધી પછાત લોકો, આદિવાસીઓ અને અન્ય લોકો માટે 100 ટકા આરક્ષણ સમાપ્ત કરવા માંગે છે. આરક્ષણ ખતમ કરવાની ઈચ્છા તેમના મનમાં કેવી રીતે આવી.
પ્રસિદ્ધિ માટે નથી આપ્યુ નિવેદન
તેમણે કોંગ્રેસનો અસલી ચહેરો સામે આવ્યો. સાથે જ તેમણે વધુમાં જણાવ્યું કે રાહુલગાંધીએ લોકસભા ચૂંટણી પ્રચારમાં કહ્યું કે સંવિધાન ખતરામાં છે. આવુ ફેક નરેટિવ ફેલાવીને લોકોના વોટ લીધા અને આજે અનામત નાબૂદ કરવાની વાતો કરે છે ? સંજય ગાયકવાડે વધુમાં જણાવ્યું કે આ નિવેદન હું મારી પ્રસિદ્ધિ માટે નથી આપતો પણ પછાત વર્ગો અને ઓબીસીની દુર્દશા આપણે જોઇ જ રહ્યા છીએ. આજે સમાજને સાથે લાવવાની જરૂર છે. તે ધ્યાનમાં રાખીને આ નિવેદન આપ્યુ છે.
રાહુલ ગાંધી આતંકવાદી- બીજેપી નેતા
સંજય ગાયકવાડ પહેલા કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા રવનીત સિંહ બિટ્ટુએ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેણે રાહુલને આતંકવાદી કહ્યા. વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી દેશના નંબર વન આતંકવાદી છે, રાહુલ ગાંધીને પોતાના દેશ પ્રત્યે બહુ પ્રેમ નથી. તેણે કહ્યું કે સૌથી પહેલા તે ભારતીય નથી. તેમણે દેશની બહાર ઘણો સમય વિતાવ્યો છે. તેઓ બહાર જાય છે અને બધું ખોટું કહે છે. દેશની સુરક્ષા એજન્સીએ તેની ધરપકડ કરીને તપાસ કરવી જોઈએ.