લોકસભાના વિપક્ષના નેતા રાહુલગાંધી વિદેશમાં જઇને જે નિવેદનો આપી રહ્યા છે તેની પર રાજકારણ ગરમાયુ છે. આરએસએસ, ભાજપ અને પીએમ મોદી તથા અનામતને લઇને તેઓ પોતાનું નિવેદન આપી રહ્યા છે જેને લઇને રાહુલ ગાંધીને ભાજપે બરાબરના ઘેર્યા છે. ત્યારે હવે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી બંડી સંજય કુમારે રાહુલ ગાંધીના આવા નિવેદનો બદલ આડેહાથ લીધા હતા.
રાહુલ ગાંધી, ભારત છોડો
રાહુલ ગાંધી પર આરોપ લગાવતા તેમણે જણાવ્યું કે તેઓ માત્ર વિદેશ પ્રવાસો પર ભારતનું અપમાન નથી કરી રહ્યા, પરંતુ દેશની ચૂંટણી પ્રણાલીની પણ ટીકા કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી બંડી સંજય કુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાહુલ ગાંધીને કહ્યું, "શ્રી રાહુલ ગાંધી... ભારત છોડો! તેમણે સાથે એમ પણ કહ્યું કે કોંગ્રેસ, બીઆરએસ અને એઆઈએમઆઈએમ આગામી જીએચએમસી ચૂંટણીઓ સાથે મળીને લડશે પરંતુ આ વખતે ભાજપ જીત નોંધાવશે અને GHMC ( Greater Hyderabad Municipal Corporation) પર ભગવો લહેરાશે અને મેયરની ખુરશી કબજે કરશે.
'રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ'
તેમણે વધુમાં રાહુલ ગાંધીની ટીકા કરતા કહ્યું કે રાહુલ વિદેશમાં જઈને ભારતની છબીને કલંકિત કરી રહ્યા છે અને તેમણે આ માટે માફી માંગવી જોઈએ. સંજયે કહ્યું, "રાહુલને આ દેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી." તેમણે ભાજપનો નારા દેશમાં માત્ર તિરંગો લહેરાવો જોઇએ તે સૂત્ર જ વાગોળ્યુ હતું. તેમણે જનતાને હિંદુ અને હાંસિયા પર ઉભેલા લોકોની સાથે થઇ રહેલા અન્યાય વિરુદ્ધ બીજેપીનું સમર્થન કરવાની અપીલ કરી હતી.
દેશની સુરક્ષા અને ભાવનાને ઠેસ પહોંચાડી છે- અમિત શાહ
રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર કરતા અમિત શાહે ટ્વિટ કર્યુ કે રાષ્ટ્રવિરોધી વાતો કરવી અને દેશને તોડવાનો પ્રયાસ કરી રહેલી શક્તિઓ સાથે ઊભા રહેવું એ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીની આદત બની ગઈ છે. જમ્મુ અને કાશ્મીરમાં જેકેએનસીના રાષ્ટ્રવિરોધી અને અનામત વિરોધી એજન્ડાને સમર્થન આપવું હોય કે વિદેશી મંચો : પર ભારત વિરોધી બોલવું હોય, રાહુલ ગાંધીએ હંમેશા દેશની સુરક્ષા અને ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.
અનામત વિરોધી ચહેરો દેશ સામે આવ્યો- અમિત શાહ
ભાષાથી ભાષા, પ્રદેશથી પ્રદેશ અને ધર્મથી ધર્મના ભેદભાવની વાત રાહુલ ગાંધીની વિભાજનકારી વિચારસરણી દર્શાવે છે. દેશમાંથી અનામત નાબૂદ કરવાની વાત કરીને રાહુલ ગાંધીએ ફરી એકવાર કોંગ્રેસનો અનામત વિરોધી ચહેરો દેશની સામે લાવી દીધો છે. મનમાં રહેલા વિચારો કોઈને કોઈ માધ્યમથી બહાર આવે છે. હું રાહુલ ગાંધીને કહેવા માંગુ છું કે જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી અનામતને કોઈ સ્પર્શી શકશે નહીં અને દેશની એકતા સાથે કોઈ ખેલ નહીં કરી શકે.













