• હરિયાણામાં ફરીથી ઇન્ટરનેટ સેવા શરૂ
  • 11 ફેબ્રુઆરીથી 7 જિલ્લામાં સેવા હતી બંધ
  • આજથી ઇન્ટરનેટ સેવા થઇ શરૂ

હરિયાણામાં ખેડૂતોના આંદોલનને કારણે 11 ફેબ્રુઆરીથી 7 જિલ્લાઓમાં બંધ કરાયેલી ઈન્ટરનેટ સેવા આજથી ફરી શરૂ કરવામાં આવી છે. હવે આ જિલ્લાઓમાં લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. ખેડૂતોના આંદોલનને જોતા પોલીસે સુરક્ષાના કારણોસર 11 ફેબ્રુઆરીએ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી હતી. તેના પુનઃસ્થાપનની માંગ છેલ્લા કેટલાક સમયથી ઉઠી રહી હતી.

11 ફેબ્રુઆરીએ બંધ કરાયુ હતું ઇન્ટરનેટ

ઉલ્લેખનીય છે કે 11 ફેબ્રુઆરીના રોજ સરકારે રાજ્યના અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસા જિલ્લાના અધિકારક્ષેત્રમાં, વૉઇસ કૉલ્સ સિવાય, મોબાઇલ નેટવર્ક પર પૂરી પાડવામાં આવતી મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ, બલ્ક એસએમએસ અને તમામ ડોંગલ સેવાઓ વગેરે પર પ્રતિબંધ મૂક્યો હતો. જ્યારે સુરક્ષાને ધ્યાને રાખીને 11 જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી.

સરહદો ખોલી દેવાઇ

હરિયાણાના 7 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત કરવાની સાથે રાજ્ય સરકારે સિંઘુ, ટિકરી અને ગાઝીપુર સરહદોના બંધ સર્વિસ રોડને પણ ખોલી દીધા છે. દિલ્હી પોલીસે શનિવારે સરહદો ખોલી હતી. ખેડૂતોની 'દિલ્હી માર્ચ' 29 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખ્યા બાદ પોલીસે આ પગલુ ભર્યુ છે.

આ છે ખેડૂતોની માંગ

ખેડૂત નેતાઓના જણાવ્યા અનુસાર પ્રદર્શનકારીઓ 29 ફેબ્રુઆરી સુધી બંને વિરોધ સ્થળો પર ડેરો જમાવશે ત્યાં જ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. મડાગાંઠને ખતમ કરવા માટે ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે ચાર રાઉન્ડની વાતચીત અનિર્ણિત રહી છે. પંજાબના ખેડૂતો સ્વામીનાથન કમિશનની ભલામણો લાગુ કરવા, ખેડૂતો અને ખેત મજૂરો માટે પેન્શન, વીજળીના દરમાં કોઈ વધારો નહીં, પોલીસમાં નોંધાયેલા કેસો પાછા ખેંચવા, 2021 લખીમપુર ખેરી હિંસાનો ભોગ બનેલા લોકો માટે ન્યાય તથા જમીન સંપાદનની માગણી કરી રહ્યા છે. 2013 અને 2020-21ના આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર મળે તેવી પણ માંગ કરવામાં આવી છે. 

  • Follow us on: