- જમ્મુ-કાશ્મીરના આરએસ પુરાના અરનિયા સેક્ટરમાં મોડી રાત્રે ઘૂસણખોરીનો પ્રયાસ
- બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા એક ઘૂસણખોરને ઠાર કર્યો
- આ પહેલા માછિલ સેક્ટરમાં સુરક્ષાદળોએ ચાર આતંકીઓને ઠાર કર્યા હતા
BSFએ ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાં સરહદ પારથી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. જમ્મુ-કાશ્મીરના આરએસ પુરાના અરનિયા સેક્ટરમાં મોડી રાત્રે આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લગભગ 1.50 વાગ્યે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા એક ઘૂસણખોરને ઠાર કર્યો હતો. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
થોડા દિવસ પહેલા જ 6 આતંકીઓ માર્યા ગયા હતા
થોડા દિવસો પહેલા (19 જુલાઈ) સુરક્ષા દળોએ માછિલ સેક્ટરમાં આતંકવાદીઓની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવીને છ આતંકીઓને ઠાર કર્યા હતા. વિસ્તારમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. કાશ્મીરના એડીજીપીએ કહ્યું કે સેના, પોલીસ અને બીએસએફના સંયુક્ત ઓપરેશનમાં માછિલ સેક્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ બંને એલઓસી પર ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
પીઓકેમાંથી ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા
આના એક દિવસ પહેલા માછિલ સેક્ટરના કાલા જંગલમાં સુરક્ષાદળોએ ચાર આતંકીઓને ઠાર કર્યા હતા. આ આતંકવાદીઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે PoKમાંથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ચારેય આતંકવાદીઓને ઠાર કર્યા છે. આતંકવાદીઓ કયા સંગઠનના હતા અને તેઓ કોણ હતા, તેની ઓળખ હજુ સુધી થઈ નથી. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.