બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર અત્યાચાર અને હિન્દુ પૂજારીની ધરપકડનો મુદ્દો બુધવારે લોકસભામાં ઉઠ્યો હતો. ભાજપના સાંસદ હેમા માલિની અને કેટલાક અન્ય પક્ષના સભ્યોએ પાડોશી દેશમાં હિંદુઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની વિનંતી કરી હતી અને સંસદમાં ઠરાવ પસાર કરવાની પણ માંગ કરી હતી.
હેમા માલિનીએ સંસદમાં ઉઠાવ્યો હિંદુ પર હુમલાનો મુદ્દો
આ મુદ્દો ઉઠાવતા મથુરાના સાંસદ હેમા માલિનીએ કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અને ઈસ્કોન સંગઠન અને તેના અનુયાયીઓ પર ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવી રહેલા હુમલાઓ નિંદનીય છે. હિંદુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ઈસ્કોનના લોકો માનવતા માટે સારું કામ કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે ચિન્મય કૃષ્ણ દાસ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો સામે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા, પરંતુ તેમના પર દેશદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો અને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. તેની તરફેણમાં જુબાની આપનાર બે લોકોને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
'ધર્મ પર અત્યાચાર સહન નહી કરાય'
હેમા માલિનીએ કહ્યું કે હું પોતે કૃષ્ણની ભક્ત અને ઈસ્કોનની અનુયાયી છું. હું કૃષ્ણની પવિત્ર નગરી મથુરાની પ્રતિનિધિ છું. અમે ધર્મ પર જુલમ સહન નહીં કરીએ. આ વિદેશ નીતિનો મામલો નથી, પરંતુ આપણી ભાવનાઓનો મામલો છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ સરકારે હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.
'કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરે'
તો બીજી તરફ આસામના ભાજપના સાંસદ દિલીપ સૈકિયાએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો અને માંગણી કરી હતી કે ભારતીય સંસદમાં એક ઠરાવ પસાર કરવામાં આવે અને બાંગ્લાદેશ સરકારને હિંદુઓ પર અત્યાચાર રોકવા પગલાં લેવાનો સંદેશ મોકલવામાં આવે. શાસક પક્ષના અનિલ ફિરોઝિયાએ આ મામલે ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી હતી.